ટોપ ન્યૂઝનેશનલ

તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગનો પ્રારંભ: રવિવારે વિજય મુખ્યમંત્રી પદના શપથ લેશે, 120 ધારાસભ્યોનું મળ્યું સમર્થન

Tamil Nadu TVK Government: તમિલનાડુના રાજકારણમાં દાયકાઓ જૂના સમીકરણો બદલાયા છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા થલાપતિ વિજય માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. શનિવારે VCK અને IUML દ્વારા મળેલા બિનશરતી સમર્થન બાદ વિજયે જાદુઈ આંકડો પાર કરી લીધો છે. શનિવારે મોડી સાંજે વિજયે રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો પેશ કર્યો હતો, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વિજય આવતીકાલે રવિવારે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લે તેવી પ્રબળ શક્યતા છે.

ગઠબંધનનું ગણિત: 118નો આંકડો વટાવી 120 પર પહોંચ્યું સંખ્યાબળ

તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોમાંથી બહુમતી માટે 118 ધારાસભ્યોની જરૂર હોય છે. વિજયની પાર્ટી ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) એ ચૂંટણીમાં 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. સરકાર બનાવવા માટે જરૂરી ખૂટતી બેઠકો માટે વિજયને કોંગ્રેસ (5 ધારાસભ્યો), CPI (2) અને CPI-M (2) એ અગાઉ જ ટેકો જાહેર કર્યો હતો, જેનાથી આંકડો 116 સુધી પહોંચ્યો હતો. શનિવારે અંતિમ ક્ષણોમાં VCK પ્રમુખ થોલ. તિરુમાવલવને TVK ના જનરલ સેક્રેટરી આધવ અર્જુનને સમર્થનનો સત્તાવાર પત્ર સોંપીને તમામ અટકળોનો અંત આણ્યો હતો. VCK ના 2 અને ત્યારબાદ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) ના 2 ધારાસભ્યોના ટેકા સાથે વિજય પાસે હવે કુલ 120 ધારાસભ્યોનું મજબૂત પીઠબળ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાજકીય પક્ષોની સ્થિતિ

ચૂંટણી પરિણામો મુજબ, TVK 108 બેઠકો સાથે મોખરે છે, જ્યારે સત્તાધારી DMK ને 59 અને AIADMK ને 47 બેઠકો મળી છે. અન્ય પક્ષોમાં PMK ને 4, ભાજપ, DMDK અને AMMK ને 1-1 બેઠક પ્રાપ્ત થઈ છે. TVK ના નેતા આધવ અર્જુને કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને VCK નો આભાર માનતા જણાવ્યું હતું કે, તમિલનાડુની જનતાના આદેશને માન આપીને વિજય હવે રાજ્યની કમાન સંભાળવા માટે સંપૂર્ણ સજ્જ છે. રવિવારે યોજાનારા શપથ ગ્રહણ સમારોહને પગલે ચેન્નઈમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમર્થકોમાં ભારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: દિલજીત દોસાંઝ રાજકારણમાં જોડાશે? સોશિયલ મીડિયા પર વાયરલ અટકળો પર અભિનેતાએ તોડ્યું મૌન

Back to top button