વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીનો ૭૨મો પદવિદાન સમારંભ યોજાયો
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત
- ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડો. ડી. વાય. ચંદ્રચૂડે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યું
વડોદરા, 4 ફેબ્રુઆરી, 2024: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાનો આજે ૭૨મો પદવિદાન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં ૨૩૧ વિદ્યાર્થિનીઓ અને ૧૧૩ વિદ્યાર્થીઓ મળી કુલ ૩૪૫ સુવર્ણપદકો મુખ્યમંત્રી અને મહાનુભાવો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે તેમણે યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. સમારંભમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ વર્ચ્યુઅલી જોડાયા હતા અને દીક્ષાંત પ્રવચન આપ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છે. આ નવી શિક્ષણ નીતિમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાના પણ દર્શન થાય છે. તેમણે ઉમેર્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. દેશમાં હવે ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. માતૃભાષા હોય કે નવોન્મેષ શોધસંશોધન, ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ જ્ઞાન કેન્દ્રિત રહી છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તુત થયેલા બજેટમાં શિક્ષણ માટે આર્થિક જોગવાઇમાં ૨૬ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૫૫,૧૧૪ કરોડ ફાળવવામાં આવ્યા છે, તેમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના બજેટમાં ગરીબ, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિ સાથે શિક્ષણને મહત્તમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ફ્યુચરસ્ટિક અને ડિસરપ્ટિવ ટેક્નોલોજીને વેગ આપવા માટે એન્જીનિયરિંગ કોલેજમાં રિસર્ચ પાર્ક સ્થાપવા માટે રૂ. ૧૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
નવસ્નાતકોને શીખ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ડિગ્રી મળતાની સાથે યુવાનોની વ્યવસાયિક જીવનનો પ્રારંભ થાય છે. યુનિવર્સિટીમાંથી જે શિક્ષણ મેળવ્યું છે, એના ઉપયોગ થકી સમાજને પરત આપનો સમય છે. શિક્ષણનો ઉદ્દેશ જ બહેતર સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે. યુનિવર્સિટીમાંથી મેળવેલા જ્ઞાન થકી છાત્રો સમસ્યાઓના સમાધાન શોધવા, રોજગારીના સર્જનમાં મદદરૂપ બને એ જરૂરી છે. ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રારંભે મહારાજ સયાજીરાવને યાદ કરી તેમના શિક્ષણ ક્ષેત્રે યોગદાનને બિરદાવ્યું હતું.
પદવિદાન સમારંભમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડે પદવિધારક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી આજનો દિવસ તેમનો હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને સંબોધતા ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું કે, તમારી પાસે નવા વિચારો છે, પ્રચંડ આત્મવિશ્વાસ છે, કામ કરવાની ભરપૂર શક્તિ છે. જેનાથી તમે તમારી કારકિર્દીનું ઘડતર કરવાની સાથે સેવાભાવ સાથે સમાજમાં યોગદાન આપીને તમારું ઋણ ઉતારી શકો છો. શિક્ષણ એ સમાજ પાસેથી જે લીધું છે, તેને પરત અને વળતર આપવાનું માધ્યમ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
એમ. એસ. યુનિ.ને ૭૫ વર્ષ પૂર્ણ કરી અમૃતકાળમાં પ્રવેશવા બદલ શુભકામનાઓ પાઠવી સી. જે. આઈ. ચંદ્રચૂડે સમાજ અને રાષ્ટ્રમાં ગુણાત્મક પરિવર્તન માટે શિક્ષણ સંસ્થાઓની ભૂમિકા અને મહત્તા વર્ણવી હતી. સુધારાઓ માટે શિક્ષણ સંસ્થાઓની મહેનતને તેમણે બિરદાવી હતી.
સંસ્કારી નગરી વડોદરામાં આવું એટલે ગૌરવની લાગણી અનુભવાય તેમ સહર્ષ જણાવી શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પદવી ધારણ કરનારા તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને યુનિ.ના અમૃતકાળના પ્રથમ સ્નાતકો/અનુસ્નાતકો કહીને સંબોધ્યા હતા.
ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા ચાન્સેલર રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડે પદવિધારકોને માનવકલ્યાણ અને સમૃદ્ધિ માટે સખત મહેનતથી કામ કરવાનો માર્ગ પ્રશિસ્ત કરી પોતાના ચારિત્ર્ય, સંસ્કાર થકી યુનિવર્સિટીનું નામ ગૌરવાન્તિ કરવા જણાવ્યું હતું. આજે તમે વિદ્યાર્થી જીવનમાંથી સમાજ જીવનમાં પદાર્પણ કરી રહ્યા છો, ત્યારે મેળવેલા શિક્ષણને આત્મસાત કરી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ પાઠવી વડોદરાના રાજવી પરિવારે આ યુનિવર્સિટી માટે આપેલા અમૂલ્ય યોગદાનની વિગતો પણ તેમણે વર્ણવી હતી.
કુલપતિ ડો. વિજય વાસ્તવે સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિઓની ભૂમિકા આપી હતી. આ વેળાએ મેયર શ્રીમતી પિન્કીબેન સોની, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રીમતી મનિષાબેન વકીલ અને કેયુરભાઇ રોકડિયા, અગ્રણી ભરતભાઇ ડાંગર સહિત યુનિવર્સિટીના વ્યવસ્થાપક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ પત્રકાર સંગઠન દ્વારા ભૂતપૂર્વ એથ્લેટ PT Ushaને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાયો