ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતધર્મમધ્ય ગુજરાત

આનંદીબેન, ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોની હાજરીમાં સંડેરમાં ખોડલધામનું ભૂમિપૂજન

  • પાટણના સંડેર મુકામે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખોડલધામ સંકુલનું ભૂમિપૂજન થયું
  • મંદિરો ભક્તિ ભાવની સાથે માનવીય ચેતનાનું કેન્દ્ર બની સમાજની સમસ્યાઓનું સમાધાન કરે એવો પ્રયાસ ખોડલધામ ટ્રસ્ટે કર્યો છે: શ્રીમતી આનંદીબેન પટેલ
  • ખોડલધામ સંસ્થા એ ધર્મસેવા, જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત થવાનો વિચાર છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • અંદાજીત રૂપિયા 100 કરોડના ખર્ચે 50 વિઘામાં નિર્માણ પામનાર ખોડલધામ સંકુલનું નવરાત્રીના આઠમા નોરતે ભૂમિપૂજન

પાટણઃ કાગવડ ખોડલધામ નિર્માણ બાદ ગુજરાતના ઉતર ગુજરાત ઝોનમાં પાટણના સંડેર ખાતે અંદાજિત રૂપિયા 100 કરોડના નિર્માણ પામનાર ખોડલધામનું ભૂમિપૂજન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રવિવારે 22 ઑક્ટોબર, 2023 (આસો સુદ આઠમ, 2079)ના રોજ યોજાયેલા આ ભૂમિપૂજન કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, મહારાષ્ટ્રમાં એનસીપીના નેતા પ્રફુલ પટેલ, રાજ્યસભાના સંસદસભ્ય નરહરિ અમીન સહિત અનેક અગ્રણી મહાનુભાવો તેમજ નાગરિકો  ઉપસ્થિત રહ્યા હતા.

સંડેર ખોડલધામ-HDNews
સંડેર ખોડલધામ-ભૂમિપૂજન-Photo-ખોડલધામ ટ્રસ્ટ

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આંનદીબહેન પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતુ કે, સંડેર ખાતે ભવ્ય ખોડલધામ મંદિર બનવા જઈ રહ્યું છે. જ્યાં ભવિષ્યમાં કૌશલ્યનું નિર્માણ થશે,  યુવાઓને પ્રેરણા સાથે રોજગાર મળી રહે તેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. સમગ્ર સમાજના વિકાસ માટે ખોડલધામ માર્ગદર્શન પૂરું પાડશે. આ માટે નરેશભાઈ અને તેમની ટીમને ધન્યવાદ આપું છું. સામાન્ય રીતે મંદિરનું નિર્માણ દર્શન, પૂજા અર્ચના અને ભક્તિમાં તરબોળ થવા માટે હોય છે. પરંતુ  મંદિર ચેતનાનું કેન્દ્ર પણ બનવું જોઈએ જ્યાં સમસ્યાઓનું સમાધાન થાય. આ કાર્ય કરવા બદલ ખોડલધામ ટ્રસ્ટની ટીમને અભિનંદન પાઠવું છું.

રાજ્યપાલ શ્રીમતી આંનદીબહેન પટેલે સૌને સૂચન કરતા કહ્યું કે દીકરીઓ અને માતાઓના સ્વાસ્થ્યની વિશેષ ચિંતા કરી તેઓ સ્વસ્થ રહે અને કેન્સર જેવી બીમારીઓથી મુક્ત રહે એવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. તેઓએ ઉમેર્યું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ 2024 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું છે એમાં પણ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોએ સક્રિય ભૂમિકા ભજવવાની છે. તેઓએ સ્વયંસેવકોને જણાવ્યું હતું કે અનેક લોકો સરકારી યોજનાઓથી ગરીબી મુક્ત થયા છે તેથી મહત્તમ લોકો સુધી સરકારી યોજનાના લાભ પહોચાડવા જોઈએ. ખોડલધામના નિર્માણ માટે દાન આપનાર સૌ દાતાશ્રીઓને તેઓએ અભિનંદન આપ્યા હતા.

સંડેર ખોડલધામ-ભૂમિપૂજન-NDNews
સંડેર ખોડલધામ-ભૂમિપૂજન-Photo-ખોડલધામ ટ્રસ્ટ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રીનાં પાવન પ્રસંગની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, આજે  દુર્ગાષ્ટમીના પાવન પ્રસંગે પવિત્ર તીર્થધામ ખોડલધામના આંગણે આવીને દિવ્યતાની સાથે ગૌરવની લાગણી અનુભવું છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વનાં પરિણામે દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો નવો અધ્યાય શરૂ થયો છે. આજે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે. ઉજૈન મહાકાલ મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથધામના વિકાસ સાથે અનેક આસ્થાના કેન્દ્રો નવા રંગરુપ પામી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી જ્યોતિર્લિંગ સોમનાથનો પણ સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે.  રાજય સરકાર દ્વારા દ્વારિકા કોરિડોરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજની વાત કરતા જણાવ્યું કે પાટીદાર સમાજ એ પાણીદાર સમાજ છે. જે કણમાંથી પણ મણ પેદા કરવા વાળો  અને પથ્થરમાંથી પાણી કાઢવાની ક્ષમતા ધરાવતો સમાજ છે. પાટીદાર સમાજ આજે શિક્ષણ પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ ધંધા રોજગાર, પંચાયત થી પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે. વિકટ પરિસ્થિતિમાં માર્ગ કાઢવો એ પાટીદારોની વિશેષતા છે. પાટીદારો સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયા છતાં પોતાની માતૃભૂમિનું ઋણ અદા કરવાનું ક્યારેય ભૂલ્યા નથી.

સંડેર ખોડલધામ-ભૂમિપૂજન-HDNews
સંડેર ખોડલધામ-ભૂમિપૂજન-Photo-ખોડલધામ ટ્રસ્ટ

કાગવડ ખોડલધામ ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે સૌને શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે આજે ફક્ત આનંદનો દિવસ નહી, ઐતિહાસિક દિવસ નહી પરંતુ પાટીદારો માટે ગૌરવનો દિવસ છે. ખોડલધામની સફળતાનાં આપ સૌ ભાગીદાર છો. ખોડલધામની આ સફળતામાં મહાનુભાવોનો સિંહફાળો છે. તેઓએ કહ્યું કે રાણકી વાવ પછી પાટણમાં ખોડલધામ પ્રવાસનનું કેન્દ્ર બનશે.

ભૂતપુર્વ કેબિનેટ મંત્રીશ્રી પ્રફુલભાઈ પટેલે સૌને નવરાત્રીનાં શુભ દિવસોની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે, સમાજને એક કરવાની ભાવના સાથે  અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે ખોડધામનાં ટ્રસ્ટનાં માધ્યમથી શરૂઆત થઈ છે. અત્યારે આ બીજા ખોડલધામનું નિર્માણ થવા જઇ રહ્યુ છે જે આપણા સૌ માટે ગૌરવ લેવાની વાત છે. સમાજે એક વિચારથી રાજયહિત, રાષ્ટ્રહિત માટે કામ કરવું જોઈએ. દેશની પ્રગતિમાં લેઉવા પાટીદાર સમાજની મુખ્ય ભૂમિકા હોવી જોઈએ.

આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજ કઈ રીતે આગળ  વધે તે  માટે  વર્ષો પહેલા બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે કોઈ પણ સમાજની પ્રગતિ તેના સંગઠન પર રહેલી છે. આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે, ગુજરાતનું સુકાન સંભાળનાર મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળમાં ગુજરાત વિકાસ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. સનાતન ધર્મની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ  રાજ્યમાં થઈ રહી છે.

 ખોડલધા ના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લેવા માટે પાટીદાર સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પાટીદાર ભાઈ-બહેનો માતાજીના રથ અને ગરબીઓ સાથે બાલીસણાથી સંડેર સુધી વાજતે ગજતે પદયાત્રા કરીને સમારોહ સ્થળ ખાતે પહોચ્યા હતા. કાર્યક્રમમાં તમામ દાતાશ્રીઓનું ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ. ખોડલધામના ભૂમિ પૂજન સમારોહ દરમિયાન મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  યુવા ભાઈ બહેનો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી એકતા શક્તિ અને ભક્તિના સમન્વય સાથે માનવતાના આ મહાયજ્ઞમાં સહભાગી થયા હતા.

સંડેર ખાતે ખોડલધામના ભૂમિપૂજન પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી નરહરીભાઈ અમીન, પાટણના સાંસદશ્રી ભરતસિંહ ડાભી, નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, પાટણના ધારાસભ્યશ્રી ડૉ. કિરીટભાઈ પટેલ, ઉમિયાધામના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, સુશ્રી અનારબેન પટેલ, ઊંઝા એપીએમસીના ચેરમેનશ્રી દિનેશભાઇ પટેલ, આગેવાનો તેમજ ખોડલધામ સંડેર ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ સમિતિના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ દિવાળી-છઠ પર ઘરે જવાનું બન્યું સરળ, રેલવેએ 283 વિશેષ ટ્રેનોની કરી જાહેરાત

Back to top button