ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરા NH-48 પર ભયાનક અકસ્માત, સ્વિફ્ટ કારની ટક્કરથી એક્ટિવા સવાર બે યુવકો 100 ફૂટ દૂર ફંગોળાયા

Vadodara road accident: વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર બેફામ ઝડપ અને રાત્રિના સમયે બેદરકારીભર્યું ડ્રાઇવિંગ સતત ગંભીર અકસ્માતોને આમંત્રણ આપી રહ્યું છે. ગત મોડી રાત્રે જામ્બુવા વિસ્તારના GEB કટ પાસે એવો જ એક હચમચાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કારે એક્ટિવા પર સવાર બે યુવકોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર બંને યુવકો હવામાં ઉછળી લગભગ 100 ફૂટ દૂર જઈને પટકાયા હતા. ઘટનાસ્થળ પર હાજર લોકો પણ આ દૃશ્ય જોઈ ચોંકી ગયા હતા. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માતના વીડિયો જોઈને કોઈપણ વ્યક્તિનું હૃદય કંપી ઉઠે એવું દૃશ્ય સર્જાયું હતું.

આ અકસ્માત રાત્રે અંદાજે પોણા બે વાગ્યાની આસપાસ સર્જાયો હતો. મકરપુરા વિસ્તારના રહેવાસી મિતેશ ધરતી, જે ડીજે ઓપરેટર તરીકે કામ કરે છે, અને તેમના માસીના દીકરા કિશન બુધા મિત્રના ઘરે જઈ પરત ફરી રહ્યા હતા. બંને યુવકો શેઠ હિનલ રાજપૂતની એક્ટિવા લઈને મિત્ર રામુના ઘરેથી પોતાના ઘરે આવી રહ્યા હતા. દરમિયાન જામ્બુવા વિસ્તારમાં આવેલા GEB કટ પાસે રોડ ક્રોસ કરતી વખતે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ કારે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા રોડ પર અનેક વખત ફંગોળાઈ ગયું હતું, જ્યારે બંને યુવકો રોડ પર દૂર સુધી ઘસડાઈ લોહીલુહાણ હાલતમાં પડી ગયા હતા.

આ ગંભીર અકસ્માતમાં મિતેશ ધરતીને માથા, મોં તેમજ બંને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કિશન બુધાને માથા, હાથ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ બંને યુવકો લોહીલુહાણ હાલતમાં રોડ પર પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને યુવકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ભયાનક અકસ્માતમાં સ્વિફ્ટ કારના આગળના ભાગને પણ ભારે નુકસાન થયું છે. જોકે, અકસ્માત સર્જનાર કારચાલકની ઓળખ હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી અને તેની ધરપકડ અંગે પણ કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પોલીસે ઘટનાસ્થળ નજીક લાગેલા CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ ફરાર કારચાલકની ઓળખ કરી તેને ઝડપી પાડવાના પ્રયાસો કરી રહી છે.

આ ઘટના NH-48 પર વધતી બેફામ ઝડપ અને બેદરકાર ડ્રાઇવિંગ સામે ગંભીર ચેતવણીરૂપ બની છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે. ટ્રાફિક નિયમોનું પાલન, નિયંત્રિત ઝડપે વાહન ચલાવવું તેમજ હેલ્મેટ અને સીટબેલ્ટ જેવી સુરક્ષા વ્યવસ્થાનો ફરજિયાત ઉપયોગ કરવાથી આવી ગંભીર દુર્ઘટનાઓ અટકાવી શકાય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે હાઈવે પર વધુ પોલીસ પેટ્રોલિંગ, સ્પીડ મોનિટરિંગ કેમેરા અને ચેતવણી સૂચક બોર્ડ જેવી સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનાવવાની તાત્કાલિક જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.

આ પણ વાંચો: “પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે, ભાજપના રાજકીય હિતો સાધવા માટે નહીં”, કોંગ્રેસની સરકારને ચેતવણી

Back to top button