ગુજરાત

વડોદરા પોલીસ ભવન બહાર ભારે હોબાળો: દલિત સમાજ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

Vadodara Dalit Protest Turns Violent: વડોદરા શહેરના જેલ રોડ પર આવેલા પોલીસ ભવન બહાર દલિત સમાજના પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઉગ્ર ઘર્ષણને પગલે સમગ્ર પંથકમાં ભારે તણાવ અને કટોકટીભરી સ્થિતિ સર્જાઈ છે. બાપોદ પોલીસ મથકના એક જવાને દલિત સમાજના યુવક વિરુદ્ધ જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન શાંતિપૂર્ણ ચાલી રહેલું ધરણા પ્રદર્શન અચાનક હિંસક બન્યું હતું. રોષે ભરાયેલા ટોળા દ્વારા પોલીસ વાહનોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવતા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ સહિતના બળપ્રયોગનો આશરો લીધો હતો. પોલીસે ટીંગાટોળી કરીને સ્થળ પરથી ૫૦થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

મંજૂરી વિના રેલી અને ચાર રસ્તા પર ચક્કાજામ

મળતી વિગતો મુજબ, બાપોદ પોલીસ સ્ટેશનના સંબંધિત પોલીસ જવાન વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કડક ગુનો દાખલ કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનો અને કાર્યકરો પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પોલીસ ભવનથી થોડા જ અંતરે આવેલા મુખ્ય ચાર રસ્તા પર સમાજના લોકોએ એકત્રિત થઈને ધરણા શરૂ કર્યા હતા. જોતજોતામાં આ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું અને આક્રોશિત લોકોએ રોડની વચ્ચે બેસીને વાહનો અટકાવી ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી.

ટોળા અને પોલીસ જવાનો વચ્ચે ઝપાઝપી

જ્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પ્રદર્શનકારીઓને હટાવી તેમની અટકાયત કરવાની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. ઉશ્કેરાયેલા ટોળા અને પોલીસ જવાનો વચ્ચે સીધી ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ કાયદો હાથમાં લઈને પોલીસના વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પથ્થરમારો તેમજ લાકડીઓ વડે સરકારી ગાડીઓના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કાયદો હાથમાં લેનારાઓ સામે ગુનો નોંધાશે: ડીસીપી મંજીતા વણઝારા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસીપી (DCP) ઝોન-2 મંજીતા વણઝારા સહિત પાંચથી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરો, એસીપી (ACP) અને ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો વધારાની પોલીસ ફોર્સ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત અને સમજાવટ બાદ પોલીસે આખરે સમગ્ર મામલો કાબૂમાં લીધો હતો. અગમચેતીના ભાગરૂપે હાલ સમગ્ર પોલીસ ભવન અને જેલ રોડ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સમગ્ર મામલે સત્તાવાર વિગતો આપતા ડીસીપી ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, “આ ટોળું એક રેલી સ્વરૂપે અહીં આવ્યું હતું, જેમના માટે તેમની પાસે કોઈ કાયદેસરની મંજૂરી નહોતી. આ લોકો પોલીસ કમિશનરને રોડ પર જ બોલાવવાની જીદ પકડીને બેઠા હતા. પ્રદર્શનકારીઓએ ચાર રસ્તા પર ટ્રાફિકજામ કર્યો હતો અને પોલીસની ગાડીઓ તોડીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી હતી, જેથી અમારે કાયદેસરનો બળપ્રયોગ કરવો પડ્યો છે. જાહેર જનતા અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા બદલ જવાબદારો સામે ‘ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ’ તેમજ રસ્તો રોકવાની કલમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.”

આ પણ વાંચો: ગીરમાં સિંહોના મોત: વનમંત્રી અર્જુન મોઢવાડિયા જસાધાર રેન્જ પહોંચ્યા, ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી

Back to top button