ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી કરવાની ધમકી આપતાં ચીન ભડક્યું, કહ્યું – “કોઈપણ દેશ અમારા મામલાઓમાં દખલ ન કરે.”

US Iran Tensions: ઇસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી મેરાથોન બેઠક કોઈ પરિણામ વગર પૂરી થતા હવે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે (13 એપ્રિલથી) હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીની જાહેરાત કરી છે. ટ્રમ્પની આ ધમકી પર તેહરાને કડક પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન હવે હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ચીનનું પણ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.

ચીનના રક્ષા મંત્રીએ શું કહ્યું?

ચીનના રક્ષા મંત્રી એડમિરલ ડોંગ જૂને કહ્યું કે, “અમે વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમારા જહાજો સતત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા છે. ઈરાન સાથે અમારા વેપાર અને ઊર્જા સંબંધિત કરારો છે, અને અમે તેમનું સન્માન કરીશું. સાથે જ અમે અપેક્ષા રાખીએ છીએ કે અન્ય દેશો અમારા મામલાઓમાં દખલ ન કરે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનું નિયંત્રણ કરે છે, અને તે અમારા માટે ખુલ્લું છે.”

ઈરાનને હથિયારો સપ્લાય કરવાની વાતને ચીને નકારી

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગૂઓ જિયાકુને સોમવારે (13 એપ્રિલે) આ આરોપોને સંપૂર્ણપણે બિનઆધારભૂત અને નિરાધાર ગણાવ્યા. આ આરોપોમાં કહેવામાં આવ્યું હતું કે ચીન ઈરાનને હથિયારો આપવા યોજના બનાવી રહ્યું છે અને પહેલાથી જ ડ્યુઅલ-યૂઝ ટેકનોલોજી અને સંબંધિત સાધનો પૂરા પાડી ચૂક્યું છે.

ગૂઓ જિયાકુને જણાવ્યું કે ચીન હંમેશા સૈન્ય નિકાસ મામલે સમજદારી અને જવાબદારીપૂર્વક વર્તે છે અને પોતાના દેશના નિકાસ નિયંત્રણ કાયદા તેમજ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ મુજબ કડક નિયંત્રણો લાગુ કરે છે.

ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી કરવાની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇસ્લામાબાદમાં થયેલી વાતચીત નિષ્ફળ જતા થોડા જ કલાકોમાં પોતાના નિવેદન ટ્રુથ સોશિયલ પર આપ્યું. તેમણે હોર્મુઝ સ્ટ્રેટ અને પરમાણુ મુદ્દે મતભેદ હોવાની વાત સ્વીકારી.

ટ્રમ્પે દાવો કર્યો કે હવે અમેરિકા હોર્મુઝમાંથી પસાર થતા તમામ જહાજોને રોકવાથી પાછળ નહીં હટે. બે અલગ પોસ્ટમાં તેમણે કહ્યું કે બેઠકમાં મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ બની હતી, પરંતુ હોર્મુઝ અને પરમાણુ મુદ્દે વાત બની શકી નથી.

તેમણે લખ્યું કે, આ કારણસર યુનાઇટેડ સ્ટેટ્સ નેવી હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશ કરવા અથવા ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજને રોકવાની પ્રક્રિયા શરૂ કરશે.

આ પહેલા તેમની કેટલીક પોસ્ટ્સમાં તેમણે સમુદ્રમાં માઇન બિછાવવાની વાત પણ કરી હતી, અને આ વખતે પણ તેમણે એ જ પ્રકારના સંકેત આપ્યા છે.

આ પણ વાંચો: ઈરાને ઇસ્લામાબાદ જઈને વિશ્વને શું મેસેજ આપ્યો… અમેરિકાની સામે ક્યાં સુધી લડશે ઈરાન?

Back to top button