છત પર બાંધકામના કામ દરમિયાન યુવકને લાગ્યો કરંટ, બચાવવાના પ્રયાસમાં માતા-પુત્ર સહિત દાદીનું મૃત્યુ

ઉત્તર પ્રદેશઃ 8 ઓક્ટોબર, 2025: UP News: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં બુધવારે (8 ઓક્ટોબર) સવારે એક હૃદયદ્રાવક ઘટનામાં હાઇ-ટેન્શન વીજળીના તારની ઝપેટમાં આવવાથી એક 27 વર્ષીય યુવક, તેની માતા અને દાદી સહિત ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આ ઘટના પ્રેમનગર વિસ્તારમાં સવારે લગભગ 5 વાગ્યે બની હતી.
શું હતી ઘટના?
પોલીસે આ વિશે માહિતી આપતા જણાવ્યું, મૃતક પ્રવીણ સાહૂ પોતાના ત્રણ માળના ઘરની છત પર બાંધકામ માટે લોખંડનો સળિયો ચડાવી રહ્યા હતા. સળિયો ભૂલથી ઘરની સામેથી પસાર થતા 11,000 kVના હાઇ-ટેન્શન વાયરને સ્પર્શી ગયો, જેના કારણે પ્રવીણને જોરદાર કરંટ લાગ્યો.
બચાવવાના પ્રયાસમાં મોત
આ જોતા દીકરાને બચાવવાના પ્રયાસમાં તેની 50 વર્ષીય માતા રંજના સાહૂ અને 75 વર્ષીય દાદી વિમલા સાહૂ પણ ગંભીર રીતે દાઝી ગયા અને વીજળીના કરંટની ઝપેટમાં આવી ગયા. ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ત્રણેયના મૃત્યુ નિપજ્યા હતા.
ઘટનાની જાણ થતા જ વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને શોકગ્રસ્ત પરિવારને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની વિદાયમાં વિલંબ, જાણો હવામાન વિભાગની વરસાદની આગાહી
આ પણ વાંચોઃ અહીં છે ચોથ માતાનું મંદિર, જ્યાં દર્શન માત્રથી મળે છે પતિના લાંબા આયુષ્યનું વરદાન












