ટ્રેન્ડિંગનેશનલ

‘મારી માંગ ભરો પછી જ…’ જબરદસ્તી પ્રેમીના ઘરમાં ઘુસી ગઈ પ્રેમિકા, પરેશાન થઈને નદીમાં કૂદી ગયો યુવક

ઉત્તર પ્રદેશ: 8 નવેમ્બર, 2025: પ્રયાગરાજમાં 22 વર્ષીય શેષમણિ યાદવની આત્મહત્યાની ઘટના કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. બે વર્ષના પ્રેમસંબંધ પછી યુવતીએ લગ્ન માટે દબાણ વધાર્યું, પરંતુ યુવકના પરિજનોએ સંબંધ મંજૂર ન રાખતાં યુવકે પીછેહઠ કરી લીધી. આનું પરિણામ એ આવ્યું કે પ્રેમિકા કંટાળીને સીધી પ્રેમીના ઘરે પહોંચી ગઈ અને ચાર દિવસ સુધી લગ્ન કર્યા વિના જ એક રૂમમાં રહેવા લાગી.

પરિવારજનોએ યુવતીને ભગાડવાનો પ્રયાસ કર્યો, તો તેણે ઝઘડો શરૂ કરી દીધો. આ હોબાળો અને બદનામીથી કંટાળીને આખરે યુવકે ટૉન્સ નદીમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો. આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.

એક જ સમાજના હતા પ્રેમી-પ્રેમિકા

આ ઘટના પ્રયાગરાજના કૌંધિયારા પોલીસ સ્ટેશન વિસ્તારના પિપરહટા ગામની છે. દૂધ ડેરીનો વ્યવસાય કરતા શેષમણિ યાદવને પડોશમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. બંને યાદવ સમાજના અને એક જ પરિવારના હોવાથી તેમને લાગતું હતું કે લગ્ન સરળતાથી થઈ જશે. જોકે, યુવકના પરિવારને આ પ્રેમસંબંધની જાણ થતાં તેમણે સખત ઇનકાર કરી દીધો, જેથી યુવકે પરિવારના કહેવા પર યુવતીથી સંબંધ તોડી નાખ્યો.

યુવતીનું ઘરમાં ઘૂસણખોરી અને હંગામો

પ્રેમમાં છેતરાયેલી યુવતીએ પહેલી નવેમ્બરે લગ્ન કર્યા વિના જ સીધી પ્રેમીના ઘરે પહોંચી ગઈ અને એક રૂમમાં પોતાનો સામાન લઈને રહેવા લાગી. સવારે શેષમણિની માતાએ તેને જોતાં જ ઘરમાં હોબાળો મચી ગયો. યુવતીને તેના ઘરે પાછી મોકલવાના પ્રયાસો કરવામાં આવ્યા, તો તે તૈયાર ન થઈ અને ઝઘડો કરવા લાગી. યુવતીના પરિજનોને બોલાવાયા, તો તેમણે સ્પષ્ટ કહ્યું કે, આટલા દિવસો પ્રેમનો ખેલ ચાલ્યો, તો હવે લગ્ન કરીને સાથે રાખો. યુવક શેષમણિએ પણ પ્રેમિકાને પાછી મોકલવાનો પ્રયાસ કર્યો, પણ તેની એક જ રટ હતી કે, “પહેલાં મારી માંગમાં સિંદૂર ભરો, તો જ જઈશ.”

પંચાયતમાં 15 લાખની માંગણી અને આત્મહત્યા

ચાર દિવસ સુધી યુવતી યુવકના ઘરમાં વગર લગ્ને રહી. સવાર-સાંજ ઝઘડા અને મારામારીના માહોલ વચ્ચે સમાધાન માટે ગામમાં પંચાયત બેઠી. શરૂઆતમાં યુવતીને તેની જિંદગી ફરી શરૂ કરવા માટે રૂ. 5 લાખ આપવાનો મામલો ઉઠ્યો, જેના માટે યુવકનો પરિવાર તૈયાર થઈ ગયો. પરંતુ, બાદમાં વાત રૂ. 15 લાખ સુધી પહોંચી જતાં સમાધાન બગડ્યું. ઝઘડો, મારામારી, હોબાળો અને ગામમાં બદનામીથી કંટાળીને શેષમણિએ આખરે ઘાતક પગલું ભર્યું. બુધવારે સવારે તે ઘરેથી નીકળ્યો અને ટૉન્સ નદીમાં છલાંગ લગાવી દીધી.

પોલીસની તપાસ શરૂ

ગોતાખોરોએ સવારથી સાંજ સુધી શોધખોળ કર્યા બાદ સાંજે 6 વાગ્યે શેષમણિનો મૃતદેહ નદીમાંથી મળ્યો હતો. યુવકના મૃત્યુના સમાચાર મળતાં જ લગ્ન કર્યા વિના ‘સાસરિયે’ આવેલી યુવતી ત્યાંથી જતી રહી.

કૌંધિયારા પોલીસે બંને પરિવારોના નિવેદનો નોંધ્યા છે. DCP વિવેક ચંદ્ર યાદવે જણાવ્યું કે, બંને પક્ષોના નિવેદનો લેવામાં આવ્યા છે અને તપાસ પૂરી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં બંને પરિવારો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ હવે બતાઓ ગુંડો કોણ? બે લોકોને ઊંધા લટકાવી કપડાં કાઢી ઢીબી નાખ્યા, જાણો કેમ આવી બર્બરતા આચરી

આ પણ વાંચોઃ ગુજરાત: પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતા પ્રમુખોને ઘરભેગા કરાશે

 

Back to top button