ટોપ ન્યૂઝવર્લ્ડ

‘600થી 700 લોકોએ દુષ્કર્મ કર્યું’: બ્રિટિશ સાંસદે પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગનો પર્દાફાશ કર્યો! સંસદમાં પીડિતોના નિવેદનો વાંચ્યા

બ્રિટનમાં વર્ષોથી ચર્ચામાં રહેલા ‘ગ્રૂમિંગ ગેંગ્સ’ કાંડને લઈને ફરી એક વખત ભારે રાજકીય અને સામાજિક ચર્ચા શરૂ થઈ છે. બ્રિટિશ સાંસદ રૂપરટ લોવે સંસદમાં પીડિત મહિલાઓના નિવેદનો વાંચીને આ મુદ્દાને ફરી કેન્દ્રસ્થાને લાવ્યો છે. તેમના ભાષણમાં પીડિતાઓએ સહન કરેલા અત્યાચાર, યૌન શોષણ, ધમકીઓ અને તંત્રની નિષ્ફળતાના અનેક ગંભીર આરોપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સાંસદે જણાવ્યું કે અનેક પીડિતાઓએ વર્ષો સુધી સંગઠિત ગેંગ્સ દ્વારા શારીરિક અને માનસિક શોષણનો ભોગ બન્યાનો દાવો કર્યો છે. કેટલીક મહિલાઓએ જણાવ્યું કે બાળપણ અને કિશોરાવસ્થામાં તેમને લાલચ, ધમકી અને દબાણ દ્વારા શોષણના ચક્રમાં ધકેલી દેવામાં આવી હતી.

પીડિતાઓના ચોંકાવનારા દાવા

સંસદમાં વાંચવામાં આવેલા નિવેદનો અનુસાર, કેટલીક પીડિતાઓએ જણાવ્યું કે તેમની સાથે અત્યંત અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. એક મહિલાએ દાવો કર્યો કે તેણે એક વાનમાં અનેક યુવતીઓને કેદ જેવી સ્થિતિમાં રાખવામાં આવતી જોઈ હતી. બીજી પીડિતાએ જણાવ્યું કે તેને ડરાવવા માટે કૂતરાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આસપાસના લોકો મદદ કરવાને બદલે ઘટનાને મજાક સમજી રહ્યા હતા. ઘણી યુવતીઓએ એવો પણ આરોપ મૂક્યો કે ગેંગના સભ્યો તેમના અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા, જેના કારણે તેઓ લાંબા સમય સુધી મૌન રહેવા મજબૂર બન્યા.

ધર્મ અને જાતિ આધારિત નિશાન બનાવવાના આરોપ

કેટલાક નિવેદનોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે ગેંગના સભ્યો ખાસ કરીને ગોરી અને ખ્રિસ્તી યુવતીઓને નિશાન બનાવતા હતા. પીડિતાઓના જણાવ્યા અનુસાર, આરોપીઓ તેમને નબળું લક્ષ્ય માનીને પસંદ કરતા હતા. એક મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે તે ગેંગના એક સભ્યથી ગર્ભવતી બની હતી, પરંતુ સંબંધિત પરિવારજનો અને સમુદાયના અગ્રણીઓએ તેની કોઈ જવાબદારી સ્વીકારી નહોતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

85 વિસ્તારોમાં ગતિવિધિઓનો દાવો

રૂપરટ લોવે દાવો કર્યો કે તેમની ખાનગી તપાસ દરમિયાન બ્રિટનના ઓછામાં ઓછા 85 વિસ્તારોમાં આવા સંગઠિત ગેંગ્સની પ્રવૃત્તિઓના સંકેતો મળ્યા હતા. તેમણે સરકારના કેટલાક વિભાગો પર વર્ષો સુધી આ મુદ્દે પૂરતી કાર્યવાહી ન કરવાનો આરોપ પણ મૂક્યો.

રૉધરહેમ કાંડથી શરૂ થઈ હતી ચર્ચા

ગ્રૂમિંગ ગેંગ્સનો મુદ્દો સૌપ્રથમ મોટા પાયે રૉધરહેમ શહેરમાં પ્રકાશમાં આવ્યો હતો. વર્ષ 2014માં પ્રકાશિત થયેલી એક સત્તાવાર રિપોર્ટમાં જણાવાયું હતું કે 1997થી 2013 દરમિયાન માત્ર રૉધરહેમ વિસ્તારમાં જ 1,400થી વધુ બાળકો યૌન શોષણનો ભોગ બન્યા હતા.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેટલાક અધિકારીઓએ સમયસર કાર્યવાહી કરવામાં નિષ્ફળતા દર્શાવી હતી. ત્યારબાદ અનેક આરોપીઓને જેલની સજા ફટકારવામાં આવી હતી.

બ્રિટન સરકારના આંકડા શું કહે છે?

બ્રિટન સરકારે બાળકો સામેના યૌન અપરાધોને રોકવા માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2023 દરમિયાન બાળકો વિરુદ્ધ 1.15 લાખથી વધુ યૌન અપરાધ નોંધાયા હતા. તેમાંથી હજારો કેસ સંગઠિત ગેંગ્સ અથવા જૂથો સાથે સંબંધિત હોવાનું જણાવાયું હતું.

ટાસ્ક ફોર્સના પ્રથમ વર્ષ દરમિયાન જ સૈંકડો શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં વધુ તપાસો હાથ ધરવામાં આવી રહી છે.

રૉચડેલ તપાસમાં પણ ગંભીર તારણો

વર્ષ 2024માં રૉચડેલ વિસ્તારમાં થયેલી સ્વતંત્ર તપાસમાં પણ સ્થાનિક તંત્ર બાળકો સામે થઈ રહેલા શોષણને સમયસર ઓળખવામાં અને રોકવામાં નિષ્ફળ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ કાર્યવાહી બાદ અનેક આરોપીઓને સજા કરવામાં આવી હતી, જ્યારે ત્યારબાદ પણ અનેક ધરપકડો થઈ ચૂકી છે. આ સમગ્ર મુદ્દાએ બ્રિટનમાં બાળ સુરક્ષા, કાયદા અમલીકરણ અને સામાજિક જવાબદારી અંગે ફરી એક વખત ગંભીર ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો: “ચુપ રહો, તમને કોઈ હક નથી!” કાશ્મીર નિવેદન પર ભારતે EUને આપી કડક ચેતવણી

Back to top button