અમદાવાદ એરપોર્ટ-સુરતની બે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
- અમદાવાદ અને સુરત જેવા બે મહાનગરોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી
- મેઇલ મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે
- ક્રાઇમ બ્રાન્ચને એરપોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી
ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી વિવિધ જગ્યાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઇમેલ મળી રહ્યા છે. એવામાં હવે મંગળવારે (22 જુલાઈ) અમદાવાદ અને સુરત જેવા બે મહાનગરોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ તેમજ સુરતમાં બે શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઇમેલ મળ્યા છે. મેઇલ મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.
મેઇલ દ્વારા શહેરની બે શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી
મળતી માહિતી મુજબ, સુરત પોલીસને મેઇલ દ્વારા શહેરની બે શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. જેમાં જી.ડી ગોયન્કા અને લાન્સર આર્મી સ્કૂલનો સમાવેશ થાય છે. આ મેઇલ મળતાની સાથે સુરત પોલીસ એક્ટિવ થઈ ગઈ અને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગ રૂપે શાળામાં હાજર બાળકોને રજા આપી દેવામાં આવી છે અને બોમ્બ સ્ક્વૉડની ટીમ સાથે બંને શાળાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી આ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
ક્રાઇમ બ્રાન્ચને એરપોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી
આ સિવાય અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને એરપોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. જોકે, ઘટનાની જાણ થતાં પોલીસ અને બૉમ્બ સ્ક્વૉડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. સુરક્ષાને ધ્યાને લઈને મુસાફરો અને અન્ય લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડીને સમગ્ર એરપોર્ટ પરિસરની તપાસ કરવામાં આવી છે. આ ધમકીના પગલે અનેક ફ્લાઇટને અસર પડી શકે તેવી આશંકા છે. જોકે, આ મામલે હજુ સુધી એરપોર્ટ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં AMC દ્વારા PG સંચાલકો માટે જાહેર કરાયા કડક નિયમો, NOC ફરજિયાત












