ટ્રેન્ડિંગનેશનલમીડિયા

પુરી જગન્નાથ રથયાત્રામાં ભીડ વચ્ચે બે શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ થવાની આશંકા

Two Devotees Die: ઓડિશાના પુરીમાં યોજાયેલી વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન દુઃખદ ઘટના સામે આવી છે. ભારે ભીડ વચ્ચે બે શ્રદ્ધાળુઓના ગૂંગળાઈ જવાથી મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, રાજ્ય સરકારે ઘટનાને ભગદડનું પરિણામ હોવાનો દાવો નકારી કાઢ્યો છે અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.

ભીડ વચ્ચે બે શ્રદ્ધાળુઓ બેભાન થયા

માહિતી મુજબ, રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના રથને ખેંચવા માટે હજારો શ્રદ્ધાળુઓ ગ્રાન્ડ રોડ પર એકત્ર થયા હતા. ભારે ભીડ અને અવરજવર અટકી જવાના કારણે બે શ્રદ્ધાળુઓ અચાનક બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક પુરી જિલ્લા મુખ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા. અન્ય કેટલાક ઘાયલોની સારવાર વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ભારે ભીડથી સર્જાઈ અફરાતફરી

રથયાત્રા દરમિયાન ગ્રાન્ડ રોડ પર અનેક સ્થળોએ ભારે ટ્રાફિક જામ અને ભીડના કારણે શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે સ્પેશિયલ રેસ્ક્યૂ યુનિટ (SRU) દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભીડમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને અસ્થાયી મેડિકલ કેમ્પોમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

વહીવટી તંત્રે વધાર્યા સુરક્ષા અને ભીડ નિયંત્રણના પગલાં

ઘટના બાદ પ્રશાસને ગ્રાન્ડ રોડ પર ભીડ નિયંત્રણ માટે વધારાના સુરક્ષાકર્મીઓ, સ્વયંસેવકો અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને તૈનાત કરી છે. શ્રદ્ધાળુઓ અને ઇમરજન્સી વાહનોની અવરજવર સરળ રહે તે માટે વધારાના માર્ગો પણ તૈયાર કરવામાં આવ્યા છે.

મૃતકની ઓળખ થઈ

પોલીસે મૃતક પૈકી એકની ઓળખ અનિલ દાસ તરીકે કરી છે. ભારે વરસાદ છતાં દેશના વિવિધ ભાગોમાંથી લાખો શ્રદ્ધાળુઓ પુરીમાં ભગવાન જગન્નાથ, ભગવાન બળભદ્ર અને દેવી સુભદ્રાની વાર્ષિક રથયાત્રાના દર્શન માટે ઉમટી પડ્યા હતા.

સરકારે ભગદડના દાવાને નકાર્યો

ઓડિશાના આરોગ્યમંત્રી મુકેશ મહાલિંગે જણાવ્યું કે બે લોકોના મોત થયા છે, પરંતુ તે ભગદડને કારણે થયા હોવાનું હાલ કહી શકાય નહીં. તેમણે કહ્યું કે સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ચોક્કસ કારણ જાહેર કરવામાં આવશે.

વિપક્ષે સરકારને ઘેરી

બીજી તરફ બીજુ જનતા દળ (BJD)એ સરકારના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. રાજ્યસભાના સાંસદ શિબાશિષ ખુન્ટિયાએ સરકાર પર સત્ય છુપાવવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે મુખ્યમંત્રીના સલાહકારે જણાવ્યું કે ઘટનાની તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

ગયા વર્ષે પણ બની હતી દુર્ઘટના

ઉલ્લેખનીય છે કે વર્ષ 2025ની પુરી જગન્નાથ રથયાત્રા દરમિયાન પણ શ્રી ગુંડિચા મંદિર નજીક થયેલી ભગદડમાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ વર્ષની ઘટના બાદ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચો : ભારતીય ગ્રાહક અદાલતે મારુતિ સુઝુકીને ગ્રાહકની કાર બદલી આપવા કર્યો ઐતિહાસિક આદેશ

Back to top button