
Godhra News: ગોધરા-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા ટુવા ચોકડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં 30 વર્ષીય યુવકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દાહોદથી મોરબી તરફ જઈ રહેલી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની બસ અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં વિઝોરા ગામના રહેવાસી મનહરસિંહ રતનસિંહ સોલંકીનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ જતાં હવે ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
મળતી માહિતી મુજબ, મનહરસિંહ સોલંકી પોતાના એક મિત્ર સાથે ટુવા ગામે એક મરણપ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. સામાજિક વિધિ પૂર્ણ થયા બાદ બંને બાઈક પર પોતાના ગામ વિઝોરા તરફ પરત ફરી રહ્યા હતા. બપોરના સમયે તેઓ ટુવા ચોકડી નજીક પહોંચ્યા ત્યારે રોડ ક્રોસ કરતી વેળાએ પૂરપાટ ઝડપે આવી રહેલી ST બસ તેમની બાઈક સાથે અથડાઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક બસની ટક્કર બાદ દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી. બાઈક પર સવાર મનહરસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે તેમના મિત્રને પણ ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને વાહનચાલકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી. જોકે, મનહરસિંહની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેઓ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં દમ તોડી દીધો હતો. યુવાન પુત્રના અચાનક અવસાનથી સોલંકી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો અને ગામલોકોનું કહેવું છે કે મનહરસિંહ પરિવારના જવાબદાર સભ્ય હતા અને તેમના મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ અકસ્માત બાદ સૌથી વધુ ચર્ચા CCTV ફૂટેજને લઈને થઈ રહી છે. નજીકના કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું સામે આવ્યું છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ફૂટેજના આધારે અકસ્માતની સાચી હકીકત બહાર આવી શકે છે. આ કારણે તપાસની દિશા હવે CCTV પુરાવાઓ પર વધુ નિર્ભર બની છે.
મૃતકના ભાઈ જયદીપ સોલંકીએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર પોલીસે પરિવારની રજૂઆત સાંભળવાના બદલે માત્ર ST બસના ડ્રાઈવરની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે અકસ્માતમાં તેમના ભાઈનું મોત થયું હોવા છતાં પોલીસ દ્વારા પરિવારની ફરિયાદ નોંધવામાં આવી નથી. જેના કારણે પરિવારજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પરિવારનું કહેવું છે કે જો CCTV ફૂટેજની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો અકસ્માત માટે જવાબદાર કોણ છે તે સ્પષ્ટ થઈ શકે છે. તેઓએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
બીજી તરફ કાંકણપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે કાયદાકીય જોગવાઈ મુજબ અકસ્માત સંબંધિત એક જ FIR નોંધવામાં આવે છે. ST બસના ડ્રાઈવર મોહનસિંહ દેવાભાઈ ચાવડાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસમાં જે કોઈ જવાબદાર ઠરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અકસ્માત બાદ સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ છે. ઘણા લોકોનું કહેવું છે કે હાઈવે અને ચોકડી વિસ્તારોમાં ભારે વાહનોની ઝડપ પર નિયંત્રણ જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી આવા અકસ્માતોની સંખ્યા વધી રહી હોવાથી લોકોમાં ચિંતા વ્યાપી છે.
હાલ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે, જ્યારે પોલીસ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે અકસ્માતની વાસ્તવિક હકીકત બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. હવે તપાસનો અંતિમ અહેવાલ શું કહે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.
આ પણ વાંચો: જામનગરમાં ભારે પવનનો કહેર, LED હોર્ડિંગ ગેટ ધરાશાયી થતાં બે બાઈક સવારોનો ચમત્કારિક બચાવ












