વલસાડના સોનવાડા હાઈવે પર ટ્રક અને એસટી બસનો અકસ્માત, 40 મુસાફરોનો આબાદ બચાવ

વલસાડ 9 માર્ચ 2026: વલસાડના સોનવાડા નેશનલ હાઈવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાતા સહેજમાં રહી ગયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ટ્રકનું અચાનક ટાયર ફાટતા સર્જાયેલી અફરાતફરીમાં એસટી બસના ડ્રાઈવરની સમયસૂચકતાએ ૪૦થી વધુ મુસાફરોના જીવ બચાવી લેતા મોટી હોનારત ટળી છે. ડ્રાઈવરની બહાદુરીને કારણે આજે હાઈવે પર લોહીની નદીઓ વહેતી અટકી ગઈ છે.
ઘટનાની વિગતો મુજબ, સોનવાડા હાઈવે પરથી એક ટ્રક પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. ટાયર ફાટતાની સાથે જ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે ટ્રક રોડ ડિવાઈડર કૂદીને સામેની લેન પર ધસી આવી હતી. બરાબર તે જ સમયે સામેથી મુસાફરોથી ભરેલી એસટી બસ આવી રહી હતી. સામેથી કાળ બનીને આવતી ટ્રકને જોઈ બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.
આ કપરી સેકન્ડોમાં એસટી બસના ચાલકે ગભરાયા વગર અદભૂત હિંમત અને સમયસૂચકતા દાખવી હતી. તેમણે તાત્કાલિક બ્રેક લગાવી બસ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવરની આ ત્વરિત કામગીરીને કારણે બસ પલટી ખાતા બચી ગઈ હતી અને ટ્રક સાથેનો સીધો ભીષણ ટકરાવ ટળી ગયો હતો. જોકે, અકસ્માતના આંચકાને કારણે બસમાં સવાર ૬થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતા જ હાઈવે પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ અને ડુંગરી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જે પોલીસે ભારે જહેમત બાદ હળવી કરી હતી. બસમાં સવાર તમામ મુસાફરોએ એસટી ડ્રાઈવરનો આભાર માન્યો હતો અને તેમની બહાદુરીને સો-સો સલામ કરી હતી.











