ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમિત શાહ સામે ચૂંટણી લડવામાં કોઈ વાંધો જ નથી: કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ

  • ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. શાહ સામે ચૂંટણી લડવા અંગે સોનલે કહ્યું કે અમિત શાહ સામે ચૂંટણી લડવામાં કોઈ સંકોચ નથી

ગાંધીનગર, 13 એપ્રિલ: દેશભરમાં લોકસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપ વતી ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમની સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે. ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે કહ્યું છે કે તેમને આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અમિત શાહ સામે ચૂંટણી લડવામાં કોઈ સંકોચ નથી. સોનલ પટેલ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સેક્રેટરી અને મુંબઈ અને પશ્ચિમ મહારાષ્ટ્રના સહ-પ્રભારી છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે, તેથી તેમની (ભાજપ) સામે સત્તા વિરોધી લહેર છે. તેમણે શાસક પક્ષ પર તેમના મતવિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોને ડરાવવાનો પણ આરોપ મૂક્યો અને કહ્યું કે ચૂંટણી લડવા માટે “સમાન તક” નથી.

સોનલ પટેલે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “મેં પાર્ટી પાસેથી ટિકિટ માંગી ન હતી કારણ કે હું મહારાષ્ટ્રમાં કોંગ્રેસની બાબતોમાં વ્યસ્ત હતી, જ્યાં હું મુંબઈ અને પશ્ચિમ મહારાષ્ટ્રની સહ-પ્રભારી છું. પરંતુ પાર્ટીએ મને ગાંધીનગરથી મેદાનમાં ઉતારી અને મેં તેનો સ્વીકાર કર્યો.”

પાર્ટીને કોઈ ભાડે જગ્યા આપી રહ્યું નથી: સોનલ પટેલ

કોંગ્રેસના ઉમેદવારે આરોપ લગાવ્યો છે કે, ”અમારા કાર્યકરોને ડરાવવામાં આવી રહ્યા છે, કોઈ અમને પાર્ટીના કાર્યકરોની મીટિંગ માટે જગ્યા ભાડે આપવા તૈયાર નથી, કારણ કે તેઓને ડર છે કે ચૂંટણી પૂરી થયા પછી તેમને નિશાન બનાવવામાં આવશે. ભૂતકાળમાં કેટલાક નાના-મોટા કેસમાં પોલીસ અમારા શહેર અને જિલ્લાના આગેવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવતી રહી છે. ભાજપ ચૂંટણી લડવા માટે વહીવટી તંત્રનો ઉપયોગ કરી રહી છે.”

કોંગ્રેસના ઉમેદવારે કહ્યું કે આ દર્શાવે છે કે તેઓ ડરી ગયા છે. તેમણે કહ્યું, “મને ખબર નથી કે અમિત શાહ ભાજપના સ્થાનિક નેતાઓ અપનાવી રહેલા રણનીતિથી વાકેફ છે કે કેમ, પરંતુ દરેકને ચૂંટણી લડવાની સમાન તક મળવી જોઈએ.

અમિત શાહ સામે કોઈ બહારનો ઉમેદવાર કેમ ઊભો ન રાખ્યો?

કોંગ્રેસે અગાઉ ગાંધીનગર બેઠક પરથી ભાજપના નેતાઓને ટક્કર આપવા પૂર્વ ચૂંટણી કમિશનર ટીએન શેષન અને અભિનેતા રાજેશ ખન્ના જેવા દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે આ વખતે શાહ સામે બહારના વ્યક્તિને કેમ મેદાનમાં ઉતાર્યા નથી તે અંગે પ્રશ્ન પૂછવામાં આવતા સોનલ પટેલે કહ્યું હતું કે, “બહારથી કોઈ અનુભવી વ્યક્તિને ઉતારવામાં બે સમસ્યાઓ છે. સૌપ્રથમ તે વ્યક્તિને વિસ્તાર વિશે કોઈ જાણકારી હોતી નથી, તેથી તે ખૂબ મદદરૂપ સાબિત થતો નથી અને જ્યારે ચૂંટણી પછી ઉમેદવાર નીકળી જાય છે, ત્યારે એક શૂન્યતા સર્જાય છે. તેથી સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવી વધુ સારું છે.” તેમણે વધુમાં કહ્યું, ”અમારું અભિયાન ચાલુ છે અને તે વેગ પકડશે.”

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મેના રોજ એક જ તબક્કામાં યોજાશે અને નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ છે.

આ પણ વાંચો: રાજકોટમાં ધમાસાણઃ ક્ષત્રિય મહિલાઓએ 100 ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા, જાણો ભાજપ-કોંગ્રેસનો આંકડો

Back to top button