કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

રાજકોટમાં ધમાસાણઃ ક્ષત્રિય મહિલાઓએ 100 ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા, જાણો ભાજપ-કોંગ્રેસનો આંકડો

રાજકોટ, 12 એપ્રિલ 2024, લોકસભા બેઠક પર ચૂંટણીને લઇને ધમાસાણ શરૂ થઈ ગયું છે. કારણ કે, આજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે પ્રથમ દિવસે કુલ 160 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભાજપ તરફથી 20 અને કોંગ્રેસ તરફથી 12 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. બીજી તરફ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ આજે 100 ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું એલાન કર્યું હતું. નયનાબા જાડેજા સહિતની મહિલાઓએ આજે 100થી વધુ ફોર્મ ઉપાડ્યા હતાં. આજે પ્રથમ દિવસે પુરુષોત્તમ રૂપાલા, તેમના ડમી ઉમેદવાર મોહન કુંડારીયા અને કિરીટ પાઠકના નામે ફોર્મ લેવાયા છે. કોંગ્રેસમાંથી પરેશ ધાણાની, ડો. હેમાંગ વસાવડા અને હિતેશ વોરાના નામે ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.

કલેક્ટર દ્વારા ચૂંટણી નોટિસ જાહેર કરાઈ
આ દરમિયાન રાજકોટ સંસદીય મત વિસ્તારના જિલ્લા ચૂંટણી અધિકારી તથા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આજરોજ લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવી છે. આ નોટિસમાં જણાવ્યા મુજબ, 10 રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં લોકસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણીના ઉમેદવાર કે, તેમના નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઇ એક વ્યક્તિ (1) ચૂંટણી અધિકારી, 10 રાજકોટ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર-રાજકોટ, કલેક્ટર કચેરી, જિલ્લા સેવાસદન, પ્રથમ માળ, જામટાવર સામે શ્રોફ રોડ, રાજકોટ 360001 ખાતેથી અથવા (2) મદદનીશ પૂરવઠા અધિકારી કચેરી, જિલ્લા સેવાસદન, બીજો માળ, જામટાવર સામે, શ્રોફ રોડ, રાજકોટ-360001 ખાતે મોડામાં મોટું 19 એપ્રિલના શુક્રવાર સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે. ઉપર દર્શાવેલા સ્થળે અને સમયે નામાંકન પત્રના ફોર્મ મેળવી શકાશે.

7 મેના રોજ મતદાન થશે
નામાંકન પત્રોની ચકાસમી ચૂંટણી અધિકારી, 10 રાજકોટ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર રાજકોટ, કલેક્ટર કચેરી, પ્રથમ માળ, કોન્ફરન્સ રૂમ, જિલ્લા સેવાસદન, જામટાવર સામે, શ્રોફ રોડ, રાજકોટ 360001 ખાતે 20 એપ્રિલના શનિવારે સવારે 11 કલાકે હાથ ધરાશે. ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મુકનાર પૈકીની કોઇ એક વ્યક્તિ તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લેખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા, તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીમાંથી ગમે તે એકને તેમની કચેરીમાં તા. 22 એપ્રિલ અને સોમવારના રોજ બપોરે 3 વાગ્યા પહેલા પહોંચાડી શકશે. ચૂંટણી લડાશે તો મતદાન તા. 7 મેના મંગળવારના રોજ સવારે 7થી સાંજે 6 વાગ્યા વચ્ચે થશે.

આ પણ વાંચોઃમારો ચૂંટણીનો ખર્ચો લોકોએ જ ઉપાડી લીધો છે, 50 લાખ જેટલો ફાળો આવશેઃ ગેનીબેન ઠાકોર

Back to top button