ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

ભોજશાળામાં ASI સરવે અટકાવવાની મુસ્લિમ પક્ષની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

  • મુસ્લિમ પક્ષે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચના ASI દ્વારા સર્વે કરવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો
  • મંદિરના ટ્રસ્ટીઓને 30 એપ્રિલ સુધીમાં જવાબ આપવા નોટિસ

નવી દિલ્હી, 1 એપ્રિલ: મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળામાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) સાયન્ટિફિક સર્વે પર પ્રતિબંધ મૂકવાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ASIના સર્વે પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે અને મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે. મુસ્લિમ પક્ષે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો હાઇકોર્ટે ASIને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાની માંગ કરી હતી. હિન્દુ સંગઠનો અનુસાર, ધાર સ્થિત કમાલ મૌલાના મસ્જિદ હકીકતમાં મા સરસ્વતી મંદિર ભોજનશાળા છે, જેનું નિર્માણ રાજા ભોજે 1034માં સંસ્કૃતના અભ્યાસ માટે કરાવ્યું હતું, પરંતુ બાદમાં મુઘલ આક્રમણકારો દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું.

 

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ASI સર્વે ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટની પરવાનગી વગર ASI રિપોર્ટના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે ત્યાં એવું કોઈપણ ભૌતિક ઉત્ખનન ન થવું જોઈએ કે જેનાથી કોઈ ધાર્મિક ચરિત્ર બદલી જાય. SCએ મુસ્લિમ પક્ષની અરજી પર નોટિસ જારી કરી છે અને હિન્દુ પક્ષ પાસેથી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 11 માર્ચે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે ASIને 6 સપ્તાહની અંદર ભોજશાળા સંકુલનો ‘વૈજ્ઞાનિક સર્વે’ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી ASIએ 22 માર્ચથી આ સંકુલનો સર્વે શરૂ કર્યો હતો. આ સંકુલ એક મધ્યયુગીન સ્મારક છે જેને હિન્દુ સમુદાય વાગદેવી (માં સરસ્વતી)નું મંદિર માને છે, જ્યારે મુસ્લિમ સમુદાય તેને કમલ મૌલા મસ્જિદ કહે છે. 7 એપ્રિલ, 2003ના રોજ જારી કરાયેલા ASI આદેશ દ્વારા નક્કી કરાયેલી વ્યવસ્થા મુજબ, હિન્દુઓને દર મંગળવારે ભોજશાળામાં પૂજા કરવાની છૂટ છે, જ્યારે મુસ્લિમોને દર શુક્રવારે આ સ્થળે નમાઝ અદા કરવાની છૂટ છે.

આ પણ જુઓ: ડાકોર મંદિરમાં મંગળા આરતી સમયે જ મારામારીની ઘટના, મામલો પોલીસ સુધી પહોંચ્યો

Back to top button