અમદાવાદગુજરાતટ્રેન્ડિંગધર્મ

અમદાવાદમાં મા-બાપનું બનાવાયુ મંદિર: “મા બાપ એ જ આપણા પહેલા ભગવાન” સૂત્રને સાર્થક કરતું ઉદાહરણ

અમદાવાદ 24 માર્ચ 2024: કહેવાય છે કે આ ધરતી ઉપર જો કોઈ પહેલા ઈશ્વર હોય તો તે આપણા મા-બાપ છે. કારણ કે માતા-પિતા સંતાનોને જન્મ આપે છે. તેમનો ઉછેર કરે છે. તેમના જીવનમાં આવતા સંઘર્ષોનો સામનો કરવા માટે જીવનના અંત સુધી ખડે પગે ઉભા રહે છે. પોતાના સંતાનોને પ્રેમ, શિક્ષણ અને સંસ્કારો આપે છે. ત્યારે અમદાવાદનાં એક વકીલે પોતાનાભાઇ અને પરિવાર સાથે મળીને માતા પિતાનું એક મંદિર બનાવ્યું છે. મા-બાપ પ્રત્યેનો પોતાનો અને પરિવારનો પ્રેમ તથા લાગણી મંદિર બનાવીને વ્યકત કરી છે.

જાણીતા કવિ તુષાર શુક્લની આગેવાનીમાં જલસો કરાવ્યો
અમદાવાદના અંજલિ ચાર રસ્તા પાસે યોગેશ્વરનગર સોસાયટીમાં રહેતા હરેશ શાહે પોતાના ઘરમાં માતા-પિતાનું મંદિર બનાવ્યું છે. આ પ્રસંગે તેમને સગાંસંબંધીઓને પોતાના ઘેર બોલાવીને ભોજન કરાવ્યું હતું. તો સાથે જ જાણીતા કવિ તુષાર શુક્લની આગેવાનીમાં જલસો કરાવ્યો હતો.

 

હરેશ શાહ સરકારી વકીલ તરીકે સેવા આપે છે
મંદિર બનાવનાર વકીલ હરેશ શાહે હમ દેખેંગે ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના પિતાનું નામ શાંતિલાલ શાહ અને માતાનું નામ કુંદનબેન શાહ છે. તેઓ ખાડિયા વિસ્તારની પોળમાં રહેતા ત્યારબાદ પશ્ચિમ વિસ્તારમાં રહેવા આવ્યા. શાંતિલાલ શાહ માણેકચોકમાં કાપડના વેપારીને ત્યાં નોકરી કરતા હતા. તેમનો તે વખતે માસિક 300 રૂપિયા પગાર હતો. જ્યારે માતા કુંદનબહેન ગૃહિણીના કાર્ય સાથે ભરત ગૂંથણ કરતા અને બે પુત્રો હરેશ શાહ અને દીપક શાહ તેમજ પુત્રી વર્ષા શાહને ભણાવ્યાં હતાં. હરેશ શાહે સરકારી વકીલ તરીકે સેવાઓ આપી છે.

મંદિરમાં માતા-પિતા સાથે પોળનું પણ નિરૂપણ
ખરેખરમાં આ વિચાર હરેશ શાહના નાના ભાઈ દીપક શાહનો હતો. જેને પરિવારના લોકોએ વધાવી લીધો હતો. આ મંદિરમાં માતા-પિતાની મૂર્તિ સાથે પોળના ઘરના ઓટલા ઉપર બેસીને ભરત ગૂંથણ કરતાં માતા અને ચબૂતરે પક્ષીઓને ચણ નાખતા પિતા પણ જોવા મળે છે. હરેશ શાહ જણાવે છે કે, તેમના પિતા ક્યારેય પણ પંખીઓને ચણ નાખવાનું ચૂકતા નહીં.

અહીં આવનાર મંદિરમાં પોતાનાં મા-બાપને જુએ
આ મંદિર બનાવવા પાછળનો હેતુ જણાવતા હરેશ શાહ જણાવે છે કે, આ દુનિયામાં આપણે ઈશ્વરને જોયા નથી. ત્યારે માતા-પિતા જ આપણા ઈશ્વર છે. માતા-પિતા જીવંત ઈશ્વર છે, તેમની બને તેટલી સેવા કરવી જોઈએ. આજની યુવા પેઢી માતા-પિતા માટે સમય કાઢે તેવા શુભ આશય સાથે આ મંદિર બનાવ્યું છે. અહીં જે પણ લોકો આવે તે આ માતા-પિતાની પ્રતિમામાં પોતાનાં માતા-પિતાને જુએ. આ હરેશ શાહના નહીં પણ દર્શન કરનારનાં માતા-પિતા છે તેવું તેમને લાગવું જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદઃ ABVP એ GCAS ની કોમન એડમિશનની પ્રક્રિયા બાબતે ચિંતનો વ્યક્ત કર્યા

Back to top button