ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ટેસ્લાની ભારતમાં એન્ટ્રી ફાઈનલ! ઇલોન મસ્ક આવશે ભારત, PM મોદી સાથે કરશે મુલાકાત

  • ભારતમાં વડાપ્રધાન મોદીને મળવા માટે ઉત્સુક છું: ઇલોન મસ્ક

નવી દિલ્હી/વોશિંગ્ટન, 11 એપ્રિલ: અમેરિકાની ઇલેક્ટ્રિક વાહન (EV) મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાના માલિક ઇલોન મસ્ક આ મહિને ભારતની મુલાકાતે આવી શકે છે. અહેવાલો મુજબ, ઇલોન મસ્ક 2 થી 27 એપ્રિલની વચ્ચે ભારત આવવાની યોજના બનાવી શકે છે. આ દરમિયાન તેઓ પીએમ નરેન્દ્ર મોદીને મળશે. આ સમય દરમિયાન, મસ્ક ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના સ્થાનની જાહેરાત કરી શકે છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ ટેસ્લાના માલિકે X પરની પોસ્ટ દ્વારા ભારતની મુલાકાત લેવામાં રસ દાખવ્યો છે. તેણે લખ્યું છે કે, તે ભારત આવવા અને પીએમ મોદીને મળવા આતુર છે. ઉલ્લેખનીય છે કે, મસ્કની આ પહેલી ભારત મુલાકાત હશે. જો કે, વડાપ્રધાન મોદી અને ઇલોન મસ્ક અત્યાર સુધીમાં બે વાર મળ્યા છે. બંનેની મુલાકાત 2015માં કેલિફોર્નિયામાં ટેસ્લા ફેક્ટરીમાં થઈ હતી. આ પછી, જૂન 2023 માં, બંને ન્યૂયોર્કમાં એક ઇવેન્ટમાં મળ્યા હતા.

સરકારે નવી EV પોલિસીમાં આયાત ટેક્સમાં 85%નો ઘટાડો કર્યો 

સરકારે તાજેતરમાં નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (EV પોલિસી) જાહેર કરી છે. ઇલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા સહિત વિશ્વભરની અગ્રણી EV કંપનીઓ દ્વારા આ નીતિ પર નજર રાખવામાં આવી રહી હતી. સરકારે ચોક્કસ સંખ્યામાં ઇવી અથવા ઇલેક્ટ્રિક વાહનોની આયાત પરના ટેક્સમાં 85% સુધીનો ઘટાડો કર્યો છે. નવી EV પોલિસીમાં સૌથી વધુ ભાર વિદેશી રોકાણ ભારતમાં લાવવા પર રહેશે. આ ઉપરાંત ઈવી ટેક્નોલોજીના ઉત્પાદનમાં પણ ભારતને આગળ લઈ જવાના પ્રયાસો કરવામાં આવશે. આમાં વિદેશી કંપનીઓએ ઓછામાં ઓછા 4,150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

ઇલોન મસ્કે ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા કરી હતી વ્યક્ત 

ઇલોન મસ્કે 2019ની શરૂઆતમાં ભારતમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો હતો. જો કે, તેમણે ઊંચા આયાત કર અંગે વાંધો ઉઠાવ્યો હતો. અમેરિકામાં સૌથી સસ્તી ટેસ્લા કાર ભારતમાં લગભગ 70 લાખ રૂપિયામાં વેચાય શકે છે.

ટેસ્લાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં 2 બિલિયન ડોલરના રોકાણની શક્યતા છે. એવું માનવામાં આવે છે કે, ટેસ્લાની ટીમ તેના પ્રસ્તાવિત પ્લાન્ટ માટે યોગ્ય સ્થળ શોધવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લઈ શકે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતે પણ ટેસ્લાને પોતપોતાના રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપવા માટે જમીન સાથે સારી ઓફર આપી છે. આ સિવાય તેલંગાણા સરકાર અહીં EV મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લાવવા માટે પણ વાતચીત કરી રહી છે.

EV કંપનીઓએ ઓછામાં ઓછા રૂ. 4150 કરોડનું રોકાણ કરવું પડશે

શુક્રવારે જાહેર કરવામાં આવેલી નવી ઇલેક્ટ્રિક વાહન નીતિમાં, સરકારે EV કંપનીઓને 4150 કરોડ રૂપિયાનું લઘુત્તમ રોકાણ કરવા, 3 વર્ષમાં ઉત્પાદન સુવિધા બનાવવા અને 5 વર્ષમાં 50 ટકા DVA અથવા સ્થાનિક મૂલ્ય વધારા સુધી પહોંચવાનો લક્ષ્યાંક આપ્યો છે. તેમાં ત્રીજા વર્ષ સુધીમાં 25% અને પાંચમા વર્ષ સુધીમાં 50% સ્થાનિકીકરણનો સમાવેશ થાય છે. જો કોઈ કંપની ભારતમાં તેનો પ્લાન્ટ સ્થાપે છે, તો તેણે ભારતમાં $35,000 અને તેનાથી વધુ કિંમતની કારના એસેમ્બલિંગ પર 15% કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે. આ સુવિધા 5 વર્ષ માટે ઉપલબ્ધ રહેશે.

આ પણ જુઓ: શું આપણા મગજમાં પણ હોય છે ડિલીટ બટન! આપણે કડવી યાદો ભૂંસી શકીએ છીએ?

Back to top button