મહારાષ્ટ્રમાં મંદિર પ્રવેશ વિવાદ: મહિલાઓને માર મારી અર્ધનગ્ન કરી ચપ્પલની માળા પહેરાવી ફેરવાઈ

Temple entry controversy : મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાંથી માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંદિર પ્રવેશ મુદ્દે થયેલા વિવાદ બાદ કેટલીક મહિલાઓ પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ મહિલાઓને માર માર્યો, તેમના કપડાં ફાડી અર્ધનગ્ન કરી દીધા, વાળ કાપી નાખ્યા અને ગળામાં ચપ્પલની માળા પહેરાવી રસ્તા પર ફેરવ્યાં હતા.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.
મંદિર પ્રવેશ મુદ્દે શરૂ થયો વિવાદ
પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક પંચાયતે એક પરિવારને મંદિર પ્રવેશ પર વાંધો ઉઠાવ્યો હતો. જોકે પીડિત પરિવાર આ પ્રતિબંધનો વિરોધ કરી રહ્યો હતો અને મંદિર જવા પર અડગ રહ્યો હતો.
અહેવાલ મુજબ, ઘટનાના દિવસે મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યક્રમ અને સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પીડિત પરિવારના એક યુવકે મંદિર પ્રવેશ રોકવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેમના પરિવાર તરફથી કોઈ ખોટું કામ કરવામાં આવ્યું નથી, તેથી તેમને મંદિર પ્રવેશથી વંચિત રાખી શકાય નહીં.
ત્યારબાદ યુવક મંદિર પરિસરમાં પ્રવેશતા ત્યાં હાજર કેટલાક લોકો ગુસ્સે ભરાયા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHm
ઘરમાં હુમલો કરી મહિલાઓને નિશાન બનાવાઈ
અહેવાલ મુજબ, આરોપીઓએ લાકડીઓ અને લોખંડના રોડ સાથે પીડિત પરિવારના ઘરે હુમલો કર્યો હતો. પરિવારના પુરુષ સભ્યોને માર માર્યા બાદ મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતી અને પોલીસ પાસે ન જવાની ધમકી આપવામાં આવી હતી.
પોલીસ અનુસાર, પીડિતા, તેની બહેન અને પુત્રી પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ રસ્તામાં જ તેમને અટકાવ્યા હતા.
આરોપીઓએ મહિલાઓને રસ્તા પર ખેંચી લઈ જઈ તેમના કપડાં ફાડી નાખ્યા, અર્ધનગ્ન કર્યા અને કાતરથી વાળ કાપી નાખ્યા હતા. ત્યારબાદ ગળામાં ચપ્પલની માળા પહેરાવી લગભગ બે કિલોમીટર સુધી જાહેરમાં ફેરવવામાં આવ્યા હતા.
બે મહિલાઓની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર
શૈલેશ કાલેએ જણાવ્યું કે આ મામલે સાત લોકો વિરુદ્ધ કેસ નોંધાયો છે અને અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ મુજબ, બંને પરિવારો એક જ સમુદાયના છે અને અગાઉથી સામાજિક બહિષ્કાર જેવી પરિસ્થિતિ પણ ઉભી થઈ હતી.
પીડિત પરિવારે આરોપ લગાવ્યો છે કે શરૂઆતમાં પોલીસે મામલાને ગંભીરતાથી લીધો નહોતો અને કેસ નોંધતી વખતે પણ હળવી કલમો લગાવવામાં આવી હતી.
હાલમાં મુખ્ય આરોપી સહિત કેટલાક અન્ય આરોપીઓ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે અને તેમની શોધખોળ ચાલુ છે.












