ગૂગલ ક્લાઉડમાં આવી મોટી ટેકનિકલ સમસ્યા, સ્પોટીફાઇ, સ્નેપચેટ, યૂટ્યૂબ સહિત અનેક સેવાઓને માઠી અસર

નવી દિલ્હી, 13 જૂન, 2025: ગૂગલ ક્લાઉડમાં ગુરુવારે આવેલી મોટી ટેકનિકલ સમસ્યાને કારણે દુનિયાભારમાં લાખો યૂઝર્સને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. આ આઉટેજને કારણે સ્પોટીફાઇ, ડિસ્કોર્ડ, સ્નેપચેટ, ટ્વિચ, શોપીફાઇ અને AI કંપની એંથ્રોપિક જેવી મોટી સેવાઓ ખોરવાઇ જવા પામી હતી. તેમ છતાં ગૂગલની પોતાની સેવાઓ જેમ કે જીમેઇલ, ગૂગલ મીટ, યૂટ્યૂબ અને ગૂગલ સર્ચ પણ થોડા સમય માટે ઠપ થઇ ગઇ હતી.
આ અંગે ગૂગલ ક્લાઉડની સ્ટેટસ વેબસાઇટ પર જણાવ્યુ હતુ કે આ મુશ્કેલી આઇડેન્ટિટી એન્ડ ઍક્સેસ મેનેજમન્ટ સર્વિસમાં આવેલી ગરબડીને કારણે થઇ હતી. કંપનીએ જણાવ્યુ હતુ કે તેના એન્જિનિયર આ સમસ્યાને ઉકેલવામાં લાગ્યા છે અને કેટલાક લોકેશનમાં સેવાઓ રિસ્ટોર થઇ ગઇ છે, જોકે હાલમા પણ અમુક સ્થળોએ તેની અસર રહી છે.
ગૂગલે રિપેરીંગ પ્રક્રિયા શરૂ કરી
સેંકડો ફરિયાદો સામે આવ્યા બાદ, ગૂગલે તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું હતું કે અમારી ટીમે સમસ્યાનું મૂળ ઓળખી કાઢ્યું છે અને રિપેર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગૂગલે કહ્યું કે અમેરિકાના ‘યુએસ-સેન્ટ્રલ 1’ પ્રદેશ સિવાય તમામ સ્થળોએ સેવાઓ મોટાભાગે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જો કે, ઘણા યૂઝર્સ હજુ પણ વિવિધ સેવાઓમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
આ સેવાઓ સંપૂર્ણપણે પ્રભાવિત થઈ હતી
ગૂગલ ક્લાઉડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ટેકનિકલ સમસ્યાથી ઘણી સેવાઓ પ્રભાવિત થઈ હતી, જેમાં એજન્ટ આસિસ્ટ, ક્લાઉડ ફાયરસ્ટોર, ગૂગલ એપ એન્જિન, ગૂગલ બિગક્વેરી, ગૂગલ ક્લાઉડ સ્ટોરેજ, ડાયલોગફ્લો, ટેક્સ્ટ-ટુ-સ્પીચ, સ્પીચ-ટુ-ટેક્સ્ટ અને વર્ટેક્ષ AI સર્ચ જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. હાલમાં, ગૂગલે સેવાઓ ક્યારે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવશે તે જણાવ્યું નથી.
સ્પોટિફાઇ અંગે 44000 ફરિયાદો
ડાઉનડિટેક્ટર વેબસાઇટ અનુસાર, યુએસમાં બપોરે 2:46 વાગ્યે (ET) સ્પોટિફાઇ વિશે 44,000થી વધુ ફરિયાદો નોંધાઈ હતી, જ્યારે 10,000થી વધુ રિપોર્ટ્સ ગૂગલ ક્લાઉડ વિશે અને 4,000થી વધુ રિપોર્ટ્સ ગૂગલ મીટ અને ગૂગલ સર્ચ વિશે આવ્યા હતા. એટલું જ નહીં, 8,000થી વધુ યૂઝર્સે ડિસ્કોર્ડમાં સમસ્યાઓની પણ જાણ કરી હતી.
ક્લાઉડફ્લેરે પણ આઉટેજની પુષ્ટિ કરી હતી
આ સાથે, ક્લાઉડફ્લેરે પણ ગુરુવારે આઉટેજની પુષ્ટિ કરી હતી, પરંતુ કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે તેમની સેવાઓ સંપૂર્ણપણે ઠીક છે અને આ સમસ્યા ગૂગલ ક્લાઉડમાં ખામી સાથે સંબંધિત હતી.
આ પણ વાંચોઃ વૈશ્વિક અહેવાલોને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો












