ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી નિયમિત જામીન, અઢી વર્ષ બાદ જેલમાંથી આવશે બહાર

ISKCON Bridge accident: જુલાઈ 2023માં અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા દર્દનાક અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. તેમના વકીલે આ નિર્ણયની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ સાથે લગભગ અઢીથી ત્રણ વર્ષ સુધી જેલમાં રહેલો તથ્ય પટેલ હવે જેલમાંથી બહાર આવશે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. તથ્ય પટેલ પર આરોપ છે કે તેણે જેગુઆર કાર 141 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી હતી.

હજુ સુધી દોષિત જાહેર કરવામાં આવ્યો નથી

સુપ્રીમ કોર્ટે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 મુખ્ય સાક્ષીઓની પૂછપરછ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે સત્તાવાર રીતે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન તથ્ય પટેલના વકીલોએ રજૂઆત કરી હતી કે કુલ 191 સાક્ષીઓમાંથી આંખે જોનાર આશરે 29 સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સામે IPC કલમ 304 હેઠળ ગુનો નોંધાયો છે, પરંતુ ટ્રાયલ પૂર્ણ ન થતા હજુ સુધી તેને દોષિત જાહેર કરવામાં આવ્યો નથી. તથ્ય પટેલ અત્યાર સુધીમાં અંદાજે 2 વર્ષ અને 10 મહિના જેલમાં વિતાવી ચૂક્યો છે.

મૃતકોના પરિવારજનોને વળતર આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કેસની ટ્રાયલ હજુ ચાલુ હોવાથી આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં થોડો વધુ સમય લાગી શકે છે.

પોલીસે 7 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરી હતી

અકસ્માત બાદ અમદાવાદ પોલીસે માત્ર 7 દિવસની અંદર 1684 પાનાની વિગતવાર ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી, જેને કેસની ગંભીરતા દર્શાવતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવ્યું હતું. તથ્ય પટેલ સામે IPCની કલમો 279, 337, 338, 304, 504, 506(2), 308, 114 અને 118 હેઠળ ગુનાઓ નોંધાયા છે. ઉપરાંત, મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો પણ લાગુ કરવામાં આવી છે. ખાસ કરીને IPC કલમ 304 હેઠળ આરોપ સાબિત થાય તો 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

પોલીસ દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં 14 મહત્વપૂર્ણ દસ્તાવેજી પુરાવા તેમજ અકસ્માતમાં મોતને ભેટેલા 9 લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ સામેલ કરવામાં આવ્યા છે. કેસમાં કુલ 191 સાક્ષીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 8 સાક્ષીઓના CRPC 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો નોંધાયા છે. અકસ્માત સમયે તથ્ય પટેલની કારમાં હાજર તેના મિત્રોના નિવેદનોને પણ મહત્વપૂર્ણ પુરાવા તરીકે ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે.

અકસ્માતની વિગતો

20 જુલાઈ 2023ની રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે અત્યંત વધુ ઝડપે જેગુઆર કાર હંકારી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. આરોપ મુજબ કાર આશરે 141 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી રહી હતી. આ ગંભીર અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના મોત થયા હતા, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનામાં ઘાયલ થયેલા એક વ્યક્તિની સ્થિતિ આજે પણ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે અને તે હજુ કોમામાં છે.

આ હાઈપ્રોફાઇલ કેસમાં તથ્ય પટેલને અત્યાર સુધી સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાંથી કોઈ સ્થાયી જામીન મળ્યા ન હતા. હાલ તેની સામે IPC કલમ 304A લાગુ પડે કે 304 હેઠળ કેસ ચલાવવો જોઈએ તે મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં રિવિઝન અરજી પેન્ડિંગ છે, જેના પર હજુ અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.

આ પણ વાંચો: 13 વર્ષની કિશોરીએ ધાબા પરથી લગાવી છલાંગ, સારવાર દરમ્યાન મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Back to top button