તમિલનાડુમાં વિજય સરકારની તૈયારી, TVKના વડા રાજભવન પહોંચ્યા, સરકાર બનાવવાનો દાવો કર્યો

Tamil Nadu politics: તમિલનાડુમાં વિજયની સરકાર બનવું હવે લગભગ નક્કી થઈ ગયું છે. અભિનેતા વિજયની પાર્ટી TVKને કોંગ્રેસ સમર્થન આપવા તૈયાર છે. ત્યારબાદ હવે વિજય પણ સક્રિય થઈ ગયા છે. તેમણે બુધવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આવતીકાલે (ગુરુવારે) જ વિજયની સરકારનો શપથવિધિ સમારોહ યોજાઈ શકે છે.
વિજયે મંગળવારે જ લોક ભવનને ઈમેલ મોકલીને સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે પોતાની પાર્ટીના ધારાસભ્યોનું સમર્થન છે અને બહુમત સાબિત કરવાનો તેમને સંપૂર્ણ વિશ્વાસ છે. તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKએ 234માંથી 108 બેઠકો જીતી છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ ટીવીકેના એક સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે તેઓએ બુધવારે એક નવો પત્ર લખ્યો છે અને રાજ્યપાલને 7 મેના રોજ સવારે 11:30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજવા વિનંતી કરી છે.
કોંગ્રેસે આપ્યું સમર્થન
તમિલનાડુમાં વિજયની પાર્ટી TVK સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 118 બેઠકોની જરૂર છે. TVK પાસે હાલ 108 બેઠકો છે, જેમાંથી બે બેઠકો વિજયની છે. નિયમ મુજબ વિજયને એક બેઠક છોડવી પડશે, જેથી પાર્ટી પાસે અસરકારક રીતે 107 બેઠકો બાકી રહે છે. આ પરિસ્થિતિમાં સરકાર બનાવવા માટે વિજયને હજુ 11 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે.
તમિલનાડુ કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે વિજયે સરકાર બનાવવા માટે તેમની પાસે સમર્થન માગ્યું હતું. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે મંગળવારે આ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ તમિલનાડુ કોંગ્રેસના નેતાઓએ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી અને અંતે કોંગ્રેસ TVKને સમર્થન આપવા માટે તૈયાર થઈ ગઈ હતી.
તમિલનાડુમાં કોંગ્રેસના 5 ધારાસભ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે વિજયની સરકારમાં બે મંત્રી પદોની માંગ કરી છે. જોકે, હજુ પણ વિજયને વધુ ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. માહિતી મુજબ PMK પાસે 4 અને AMMK પાસે 1 ધારાસભ્ય છે અને બંને પાર્ટીઓ TVKને સમર્થન આપવા તૈયાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હજી સુધી તેઓએ સત્તાવાર જાહેરાત કરી નથી.
આ પણ વાંચો: ભારતમાં ડીપફેક અને એઆઈ કંટેન્ટ પર મોટી કાર્યવાહી, જાણો શું છે સરકારની યોજના ?












