ઉત્તર ગુજરાત

સાબરમતી-જોધપુર ટ્રેનને જેસલમેર સુધી લંબાવાઇ

Text To Speech

પાલનપુર: રાજસ્થાનમાં આવેલું રામદેવરા આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં વર્ષ દરમિયાન હજારો ભકતો પદયાત્રાએ તો અનેક ભક્તો બધા -માનતા પૂર્ણ કરવા જતાં હોય છે. તેમના માટે ખુશીના સમાચાર છે. હવે તેમને રામદેવરા દર્શને જવા કોઈ મુશ્કેલી નહિં પડે. રેલવે વિભાગ દ્વારા સાબરમતી-જોધપુર ટ્રેનને હવે જેસલમેર સુધી લંબાવવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે સુલભતા રહેશે

ઉત્તર ગુજરાતમાંથી રામદેવરા જવા માટે સાબરમતી થી જોધપુર (ટ્રેન નં ૧૪૮૦૪) ટ્રેન ચાલતી હતી. આ ગાડી જોધપુર સવારે ૬ વાગે જોધપુર પહોંચ્યા બાદ ૭.૦૫ વાગે જોધપુર થી જેસલમેર (ટ્રેન નં ૧૪૮૧૦) ના સ્વરૂપે જેસલમેર જતી હતી. જેસલમેર ૧૨.૪૦ વાગે ટ્રેન પહોંચ્યા પછી તે જ ટ્રેન ૧૪૮૦૯ નંબર થી ૩.૦૦ વાગે જેસલમેર થી જોધપુર સુધી રૂપાંતરિત થતી હતી. જે રાત્રે ૯.૧૦ વાગ્યે જોધપુર આવતી હતી અને આ જ ટ્રેન ૧૦ મિનિટ પછી જોધપુર થી ૧૪૮૦૩ નંબર થી ૯.૨૦ વાગ્યે સાબરમતી માટે રવાના થતી હતી.

મહેસાણાના સંસદસભ્ય શારદાબેન પટેલની માંગણી ઉપર રેલવે મંત્રાલયની મહોર

રામદેવરાની મુલાકાતે જતા આવતા શ્રદ્ધાળુઓને જોધપુરથી રામદેવરા જવા માટે નવી ટિકિટ અને કન્ફર્મેશનને લગતા પ્રશ્નોના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જે મુશ્કેલીઓ મહેસાણાના સંસદસભ્ય શારદાબેન પટેલના ધ્યાને આવતા તેમણે રેલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશને રજૂઆત કરી હતી કે, આ એક જ ટ્રેન જુદા જુદા નંબરો થી બે ભાગમાં ચાલે છે. તો તેને સળંગ એક જ ટ્રેન કરી દેવાથી મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતના નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે સીધી દૈનિક ટ્રેનનો લાભ મળી શકે તેમ છે.

આ રજૂઆત ને ધ્યાને લઇ રેલવે મંત્રી દ્વારા તારીખ ૩૧જુલાઈ’૨૨ થી ગાડી નંબર- ૧૪૮૦૩ જેસલમેર થી સાબરમતી તથા તારીખ ૦૧ ઓગસ્ટ’૨૨ થી ગાડી નંબર- ૧૪૮૦૪ સાબરમતીથી જેસલમેર સુધી કરી દેવામાં આવી છે.સાબરમતી-જોધપુર-જેસલમેર ની આ સીધી દૈનિક ટ્રેનનો લાભ મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહીત અમદાવાદ અને સમગ્ર ઉત્તર ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓને મળશે અને રામદેવરાના પવિત્ર સ્થળ પર આવેલા રામદેવ પીરના દર્શન કરવા સરળતાથી જઈ શકાશે.

Back to top button