ગુજરાતટોપ ન્યૂઝ

પાલનપુરમાંથી ફરી શંકાસ્પદ ઘી ઝડપાયું, રૂ.17 લાખનો જથ્થો સીઝ

Text To Speech
  • ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો દરોડો
  • મે.ધાન્વી એન્ટરપ્રાઈઝમાંથી 2700 kg. થી વધુનો જથ્થો સીઝ
  • ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો.એચ. જી કોશિયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

પાલનપુર, 19 એપ્રિલ : રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તેના અનુસંધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો.એચ. જી કોશિયાના માર્ગદર્શન હેઠળ પાલનપુર (જી. બનાસકાંઠા)ના તંત્ર દ્વારા આજે એક પેઢી ઉપર દરોડો પાડી રૂ.17 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી ઝડપી લેવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરને મે. ધાન્વી એન્ટરપ્રાઈઝ, પ્લોટ નંબર -૬, ગજાનંદ માર્કેટ ખાતે શંકાસ્પદ ઘી બનાવતા હોવાની બાતમી મળેલ હોય જે અન્વયે ટીમ દ્વારા રેડ કરી પેઢીના માલિક હિતેશભાઇ ગોરધનભાઇ મોદીની હાજરીમાં તેમની પાસેથી અનમોલ પ્રીમીયમ બ્રાન્ડ ઘીનાં કુલ ૬ (છ) નમુના અને લુઝ ઘી ને ૧ (એક) એમ કૂલ ૭ (સાત) નમુના લેવામાં આવેલ હતા. જયારે બાકીનો કુલ ૨૭૪૦ લિટર ઘી નો જથ્થો કે જેની કિંમત આશરે રૂ. ૧૭ લાખ થવા જાય છે તે સ્થળ ઉપર સીઝ કરવામાં આવેલ હતો.

સ્થળ ઉપર વધુ માલિકની વધુ તપાસ કરતા તેઓ બહારથી તૈયાર સસ્તું ઘી લાવી પેક કરીને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વેચતા હોવાનું જાણવા મળેલ હતું. તંત્ર દ્વારા મે.ધાન્વી એન્ટરપ્રાઈઝ પેઢીમાં અગાઉ પણ તપાસ હાથ ધરવામાં આવેલ અને તે સ્થળેથી નમુના લઈ જથ્થો સીઝ કરવામાં આવેલ હતો અને તમામ જથ્થો ભેળસેળયુક્ત જણાતાં ૩ એડ્જ્યુડીકેટીંગ કેસમાં કુલ રૂ. ૨૧ લાખ દંડ કરવામાં આવેલ હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

Back to top button