ગુજરાત

Surat: પુણા પોલીસે વાહનચોરીનો ભેદ ઉકેલ્યો, ગીર સોમનાથથી આરોપીની ધરપકડ કરી

Surat News: સુરતની પુણા પોલીસે વાહનચોરીના એક વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલીને ગીર સોમનાથના અંતરિયાળ ગામમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે ચોરીની મોપેડ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સીસીટીવી અને બાતમીદારોની મદદથી સફળતા

સુરત શહેરમાં વધી રહેલી વાહનચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ કમિશનરની કડક સૂચના બાદ પુણા પોલીસ એક્શન મોડમાં આવી હતી. પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બ્લુ કલરની સુઝુકી એક્સેસ મોપેડની ચોરી થઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા પી.આઈ. વી.એમ. દેસાઈ અને આર.એચ. મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તપાસમાં જોડાયો હતો. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં એક શંકાસ્પદ શખ્સ કેમેરામાં કેદ થયો હતો. હ્યુમન સોર્સીસ દ્વારા મળેલી સચોટ માહિતીના આધારે આ શખ્સની ઓળખ કુલદીપ લાલજીભાઇ જોગીયા તરીકે થઈ હતી.

ગીર સોમનાથથી આરોપી ઝડપાયો

તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી કુલદીપ મોપેડની ચોરી કર્યા બાદ પોતાના વતન ફરેડા (તા. ગીર ગઢડા, જી. ગીર સોમનાથ) ખાતે નાસી ગયો છે. આ માહિતી મળતા જ પુણા પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક ગીર સોમનાથ રવાના થઈ હતી અને સ્થાનિક સ્તરે તપાસ કરી આરોપીને તેના વતનમાંથી દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી આશરે રૂપિયા 50,000 ની કિંમતની સુઝુકી એક્સેસ મોપેડ રિકવર કરી છે.

આરોપીની વિગત

પકડાયેલ આરોપી કુલદીપ જોગીયા સુરતના પુણાગામમાં ગીતાનગર સોસાયટીમાં રહેતો હતો અને વ્યવસાયે સીલાઈકામ કરતો હતો. વતનમાં છુપાઈને પોલીસથી બચવાનો તેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. હાલ પુણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે કે તેણે અગાઉ અન્ય કોઈ વાહનચોરીના ગુના આચર્યા છે કે કેમ. ટેકનિકલ સર્વેલન્સ અને સચોટ બાતમીના આધારે કરવામાં આવેલી આ કામગીરીની ઉચ્ચ અધિકારીઓએ પ્રશંસા કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો: Surat: આમ આદમી પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી, સુરત માટે મૂરતિયા જાહેર

Back to top button