“સેન્ટ્રલ ફોર્સ તૈનાત કરો…”, બંગાળમાં SIRનું કામ કરતા જજો પર હુમલા મામલે સુપ્રીમ કોર્ટ નારાજ

Supreme Court: પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કામગીરીમાં લાગેલા ન્યાયિક અધિકારીઓ સાથે થયેલા દુર્વ્યવહાર અંગે સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. કોર્ટે ચૂંટણી આયોગને જણાવ્યું છે કે ન્યાયિક અધિકારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય દળોને તૈનાત કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે SIR દરમિયાન પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાંથી બહાર કરાયેલા અંદાજે 50 લાખ લોકોના દાવા અને આક્ષેપોની તપાસ માટે જિલ્લા અને સેશન જજોને જવાબદારી સોંપી છે. બુધવારે (1 એપ્રિલ, 2026) રાત્રે માલદામાં સ્થાનિક લોકોએ તેમના વિરોધમાં પ્રદર્શન કર્યું અને અધિકારીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે કોર્ટે ગંભીર નોંધ લઈને ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી છે.
મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચૌલીની બેન્ચે આ મામલે નોંધ લીધી છે. ગઈકાલે બપોરથી લઈને રાત સુધી પ્રદર્શનકારોએ ન્યાયિક અધિકારીઓને બંધક બનાવી રાખ્યા હતા અને જ્યારે રાત્રે તેઓ બહાર નીકળીને જવા લાગ્યા ત્યારે તેમના વાહનો પર પથ્થરો અને લાઠીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. કોર્ટે આ ઘટનાને ગંભીરતાથી લઈને નોંધ લીધી છે.
કોર્ટે ચૂંટણી આયોગને આદેશ આપ્યો છે કે જ્યાં જ્યાં આ અધિકારીઓ રોકાયા છે, ત્યાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. જરૂરી હોય તો તેમના પરિવારના સભ્યોને પણ સુરક્ષા આપવામાં આવે. ચૂંટણી આયોગ જરૂરિયાત મુજબ પગલાં ભરે અને રાજ્ય સરકાર આયોગના સૂચનો મુજબ કાર્ય કરે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એ પણ જણાવ્યું છે કે જ્યાં દાવાઓનું નિરાકરણ થઈ રહ્યું છે, ત્યાં એક સમયે 5થી વધુ લોકો ભેગા થવા દેવામાં ન આવે. બેન્ચે મુખ્ય સચિવ, ડીજીપી, ડીએમ અને એસપીને કારણ બતાવો નોટિસ પાઠવીને પૂછ્યું છે કે તેમના વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવામાં આવે.
કોર્ટે આ અધિકારીઓને એ પણ આદેશ આપ્યો છે કે તેઓ 6 એપ્રિલે યોજાનારી ઓનલાઈન સુનાવણીમાં હાજર રહે. કોર્ટે ચૂંટણી પંચને આ ઘટનાની તપાસ નિષ્પક્ષ એજન્સી, સીબીઆઈ અથવા એનઆઈએ દ્વારા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. તપાસ એજન્સીને તેનો રિપોર્ટ સીધો સુપ્રીમ કોર્ટમાં સુપરત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
CJI સુર્યકાંતે કહ્યું કે ત્યાં માલદાના ડીએમ અને એસપી પહોંચ્યા નહોતા. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ડીજીપી સાથે સંપર્ક કર્યો, ત્યારબાદ મોડીરાત્રે ન્યાયિક અધિકારીઓ બહાર નીકળી શક્યા. ત્યારબાદ પણ તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે આ માત્ર ન્યાયિક અધિકારીઓને હેરાન કરવાની ઘટના નથી, પરંતુ આ સુપ્રીમ કોર્ટના અધિકારને પડકારવા જેવી છે. સીજેઆઈએ જણાવ્યું કે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે ચીફ સેક્રેટરીનો નંબર વોટ્સએપ પર ઉપલબ્ધ નહોતો. આવી ઘટના ન્યાયિક અધિકારીઓના મનોબળ પર અસર કરી શકે છે. ટીએમસીના વકીલોએ કહ્યું કે જવાબદાર અધિકારીઓ પાસેથી વ્યક્તિગત સોગંદનામા માંગવામાં આવે.
SIR ને પડકારતા અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પણ કોર્ટમાં હાજર હતા. સિબ્બલે CJI સમક્ષ કહ્યું કે કૃપા કરીને આ ટિપ્પણી દૂર કરો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે. જસ્ટિસ બાગચીએ જવાબ આપ્યો, “અમે તમારી વિનંતી પર વિચાર કરીશું, પરંતુ સમજો કે આ ટિપ્પણી તમારા માટે એક પડકાર છે. તેને ખોટી સાબિત કરીને બતાવો.”
આ પણ વાંચો: VIDEO: પિતા સાથેની દુશ્મનીનો બદલો 4 વર્ષના બાળક સાથે લીધો, ઉપાડીને જમીન સાથે પછાડ્યું












