ટોપ ન્યૂઝનેશનલ

સુપ્રીમ કોર્ટમાં વકીલનો હાઈવોલ્ટેજ ડ્રામા, જજને આદેશ આપ્યો અને કાગળો ફેંક્યા

Supreme Court lawyer ruckus: સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એક એવી ઘટના બની હતી, જેના કારણે થોડા સમય માટે કોર્ટરૂમમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. એક અરજદાર વકીલે સુનાવણી દરમિયાન અચાનક આક્રમક વલણ અપનાવ્યું અને કોર્ટની કાર્યવાહી વચ્ચે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા સુરક્ષાકર્મીઓને તેને કોર્ટરૂમમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.

મળતી માહિતી મુજબ, આ મામલો અલાહાબાદ હાઈકોર્ટના એક નિર્ણયને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશન સાથે જોડાયેલો હતો. આ અરજી ખુદ એક વકીલે દાખલ કરી હતી અને તે પોતાની જ અરજીમાં પક્ષકાર તરીકે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી રહ્યો હતો. કેસની સુનાવણી જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચ સમક્ષ ચાલી રહી હતી.

સુનાવણીની શરૂઆતથી જ વકીલનું વલણ સામાન્ય નહોતું. તેણે કોર્ટ સમક્ષ પોતાની વાત રજૂ કરતી વખતે ખૂબ જ આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો હતો. વકીલે બેન્ચને કહ્યું કે, “ન્યાયિક અધિકારી મહોદય, હું તમને આદેશ આપું છું કે તમે લખનઉના ACP વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપો.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વકીલના આ નિવેદન પર જસ્ટિસ કે.વી. વિશ્વનાથને આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું કે, “તમે મને આદેશ આપી રહ્યા છો?” તેમ છતાં વકીલ શાંત થયો નહોતો. તેણે કહ્યું કે, “મારી તરફથી બસ આટલું જ છે, બધું રેકોર્ડ પર છે.”

ત્યારબાદ સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. વકીલે કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો હવામાં ઉછાળી દીધા અને કોર્ટમાં ઉગ્ર ભાષાનો ઉપયોગ શરૂ કર્યો હતો. તેણે CJIને લઈને પણ અપમાનજનક ટિપ્પણી કરી હતી. વકીલના અણધાર્યા વર્તનથી કોર્ટરૂમમાં હાજર લોકો ચોંકી ગયા હતા અને થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ હતી.

ઘટનાની ગંભીરતા જોતા સુરક્ષાકર્મીઓ તરત જ આગળ આવ્યા હતા. તેમણે વકીલને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થિતિ કાબૂમાં ન આવતા તેને કોર્ટરૂમની બહાર લઈ જવામાં આવ્યો હતો.

જજે કહ્યું- વકીલ ખૂબ પરેશાન છે, અમને સહાનુભૂતિ છે

હોબાળા બાદ બેન્ચે આ મામલે સંયમ દાખવ્યો હતો. જસ્ટિસ કે.વી. વિશ્વનાથને કહ્યું હતું કે, “તે ખૂબ જ પરેશાન છે. આ બધી હતાશા છે. અમને તેના પ્રત્યે માત્ર સહાનુભૂતિ છે.” કોર્ટે વકીલના વર્તનને ગંભીર ગણ્યું હોવા છતાં તેની સામે તાત્કાલિક અવમાનનાની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો નહોતો.

બેન્ચે ત્યારબાદ કેસની સુનાવણી આગળ વધારી હતી અને અરજીના ગુણદોષ પર વિચાર કર્યા બાદ તેને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે રેકોર્ડ તપાસ્યા બાદ હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ યોગ્ય આધાર મળ્યો નથી.

બાર કાઉન્સિલ લઈ શકે છે કાર્યવાહી

જોકે સુપ્રીમ કોર્ટે આ ઘટનામાં અવમાનનાની કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ વકીલ સામે બાર કાઉન્સિલ કાર્યવાહી કરી શકે છે. કાયદા મુજબ દરેક વકીલ માટે વ્યવસાયિક શિસ્ત અને આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે.

જો કોઈ વકીલ કોર્ટમાં ગેરવર્તન કરે, અયોગ્ય ભાષાનો ઉપયોગ કરે અથવા વ્યવસાયિક નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની સામે એડવોકેટ્સ એક્ટ, 1961 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. સામાન્ય રીતે આવા મામલામાં પ્રથમ તબક્કે તપાસ કરવામાં આવે છે. આરોપો સાચા જણાય તો કેસ બાર કાઉન્સિલની અનુશાસનાત્મક સમિતિ સમક્ષ મોકલવામાં આવે છે.

સમિતિ વકીલ અને ફરિયાદ પક્ષની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય લે છે. દોષિત સાબિત થવા પર વકીલને ચેતવણી આપવામાં આવી શકે છે, થોડા સમય માટે પ્રેક્ટિસ પર પ્રતિબંધ લગાવી શકાય છે અથવા ગંભીર કિસ્સામાં તેનું નામ બાર કાઉન્સિલના રજિસ્ટરમાંથી દૂર કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટની આ ઘટના ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે કે કોર્ટની ગરિમા જાળવવી અને ન્યાયિક પ્રક્રિયા દરમિયાન સંયમ રાખવો દરેક પક્ષકાર અને વકીલની જવાબદારી છે.

આ પણ વાંચો: TRP ગેમઝોન અગ્નિકાંડ: હાઈકોર્ટનો મોટો ચુકાદો, રાજકોટ મનપાના 5 અધિકારીઓને નોકરીમાંથી હટાવાયા

Back to top button