વાળીનાથ ધામમાં તસ્કરો ત્રાટક્યા, દાનપેટી તોડી કેટલા રુપાયાની કરી ચોરી?

મહેસાણા 29 જૂન 2025: વિસનગર તાલુકાના માલધારી સમાજના શ્રદ્ધા કેન્દ્ર અને સુપ્રસિદ્ધ તરભ વાળીનાથ ધામ ખાતે તસ્કરોએ મોડી રાત્રે ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપી હતી. મંદિરના ગર્ભગૃહની બહાર મુકાયેલી લાકડાની દાનપેટીનું લોક તોડી અંદાજે રૂ. 75,000 થી 80,000ની રોકડ રકમ ચોરી ગઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ચોરીની ઘટનાની જાણ પૂજારીએ મંદિરના વહિવટકર્તા ગાંડાભાઈ રબારીને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દાનપેટી તૂટેલી હાલતમાં મળી આવી હતી.
મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ છે, જેમાં એક તસ્કર દાનપેટીમાંથી રકમ ચોરીને મંદિરમાંથી ભાગતો દેખાય છે. તાત્કાલિક, પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસમાં લાગી ગઈ છે.
ચોરીની ઘટનાને લઈને ભક્તજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વાળીનાથ ધામ જેવી આસ્થાની જગ્યા પર ચોરી થતા શ્રદ્ધાળુઓમાં ગુસ્સો વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: જગન્નાથ મંદિરના હાથીને માર મારવાનો વીડિયો વાયરલ: પોલીસે શરૂ કરી તપાસ, 10 થી વધુ લોકોના નિવેદન લેવાયા












