ન્યૂયોર્ક કરતાં 33 ગણું મોટું શહેર બનાવવા સાઉદી અરેબિયા કરી રહ્યું છે તૈયારી
સાઉદી અરેબિયા, 9 મે: આખી દુનિયામાં પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોની શોધ થઈ રહી છે. ઈલેક્ટ્રિક વાહનોનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. જેનાં કારણે તેલના આધારે સમૃદ્ધ બનેલા સાઉદી અરેબિયા જેવા દેશો મુશ્કેલીમાં છે. આ કારણે સાઉદી અરેબિયાએ ‘વિઝન 2030’ લોન્ચ કર્યું છે. આ અંતર્ગત સાઉદી અરેબિયા પહેલાથી જ અન્ય ક્ષેત્રોમાં મોટું રોકાણ કરી રહ્યું છે જેથી કરીને તે તેલ સિવાયના અન્ય ક્ષેત્રમાંથી પૈસા કમાઈ શકે. આ અંતર્ગત સાઉદી અરેબિયા તાબુક શહેરની નજીક એક અલગ શહેર બનાવી રહ્યું છે. આ શહેર અમેરિકાના ન્યૂયોર્ક કરતા 33 ગણું મોટું હશે, જેને નિઓમ(Neom) નામ આપવામાં આવ્યું છે.
વિરોધ કરનારા સામે કડક કાર્યવાહી, વિરોધ હિંસક બને તો હત્યા કરવાની પણ પરવાનગી
આ શહેરને તૈયાર કરવાનું કામ શરૂ થઈ ગયું છે અને જમીન સંપાદનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. એટલું જ નહીં સાઉદી પ્રશાસને જમીન અધિગ્રહણનો વિરોધ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સત્તાવાળાઓને પણ જો કોઈ જમીન સંપાદનનો વિરોધ કરે તો કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જો વિરોધ હિંસક બને તો હત્યા કરવાની પણ પરવાનગી આપવામાં આવી છે. BBCએ એક પૂર્વ ગુપ્તચર અધિકારીને ટાંકીને સાઉદી પ્રશાસનની આ હદ સુધીની તૈયારી વિશે માહિતી આપી છે.
પશ્ચિમી દેશોની ડઝનબંધ કંપનીઓ નિયોમ સિટીના નિર્માણમાં રોકાયેલી છે. કર્નલ રાબિલ એલેનજીએ કહ્યું કે, આ વિસ્તારમાં એક જનજાતિના લોકો વિરોધ કરી રહ્યા છે. હવે તેમને જમીન ખાલી કરાવવા માટે કડકતા દાખવવામાં આવશે. તાજેતરમાં આમાંથી એક વ્યક્તિને પણ ગોળી વાગી હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. સાઉદી પ્રશાસને આ રિપોર્ટ પર હાલમાં કંઈ કહ્યું નથી. આ પ્રોજેક્ટ સાઉદી અરેબિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ અને કિંગ સલમાનના પુત્ર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝનનો એક ભાગ છે.
આ આધુનિક શહેરનો પ્રથમ ભાગ 2030 સુધીમાં બનાવવામાં આવશે
આ શહેરનો લગભગ અઢી કિલોમીટરનો ભાગ 2030 સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં લગભગ 6000 લોકો વિસ્થાપિત થયા છે. ઘણા ગામો પણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. સેટેલાઈટ ઈમેજ બતાવે છે કે, કેટલાક મહિના પહેલા જે ગામો વસવાટ કરી રહ્યા હતા તે હવે સપાટ થઈ ગયા છે. હોસ્પિટલો, શાળાઓ અને કોમ્યુનિટી હોલ પણ નાશ પામ્યા છે. હુવૈતેત જનજાતિના લોકો એવા ગામોમાં રહે છે જેને સરકારી આદેશ પર હટાવવામાં આવ્યા છે.
આ પણ જુઓ: ડૉક્ટર સહિત સાત લાંચિયાની ધરપકડઃ જાણો કઈ હોસ્પિટલમાં ચાલતી હતી જિંદગી સાથે રમત?