ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ડૉક્ટર સહિત સાત લાંચિયાની ધરપકડઃ જાણો કઈ હોસ્પિટલમાં ચાલતી હતી જિંદગી સાથે રમત?

  • આ કેવું પાપ! ડૉક્ટર, ટેક્નિશિયન, કારકુન… બધા મળીને દિલ્હીની RML હોસ્પિટલમાં ચલાવતા હતા રેકેટ 

નવી દિલ્હી, 9 મે: ડૉક્ટર દર્દી માટે ભગવાન સમાન હોય છે. પરંતુ જો ડૉક્ટર તમારા જીવન સાથે રમવાનું શરૂ કરે દે તો શું થાય? આવો જ એક આશ્ચર્યજનક કિસ્સો નવી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાંથી બહાર આવ્યો છે. આ રેકેટ માત્ર લાંચ લેવાનું નથી પરંતુ તે દર્દીઓના વિશ્વાસને તોડવાનું પણ છે. જોકે, આ કેસમાં CBIએ આરોપી ડૉક્ટરો અને આ સમગ્ર રેકેટમાં સામેલ લોકોની ઓળખ કરી લીધી છે તેમજ આ કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. CBI આ કેસની તપાસમાં વ્યસ્ત છે જેથી તેનાથી સંબંધિત અન્ય આરોપીઓને પણ શોધી શકાય. સીબીઆઈ તપાસમાં ખુલાસો થયો છે કે, રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટરોથી લઈને લેબ એટેન્ડન્ટ્સ સુધીના તમામ આ રેકેટમાં સામેલ હતા.

હવે આવી સ્થિતિમાં દેશની આટલી મોટી હોસ્પિટલમાં ચાલતા આ રેકેટનો ખુલાસો કેવી રીતે થયો તે જાણવું ખૂબ જ જરૂરી છે અને આ કેસમાં સીબીઆઈએ પ્રથમ ધરપકડ કેવી રીતે કરી?  સીબીઆઈ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રેકેટનો પર્દાફાશ સૌપ્રથમ ત્યારે થયો જ્યારે રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટર પર્વતગૌડાએ આકર્ષણ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો. વાસ્તવમાં, આકર્ષણ એક ખાનગી બાયોટ્રોનિક્સ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતો હતો. સીબીઆઈએ પહેલાથી જ ડૉ. પર્વતગૌડાના ફોનને સર્વેલન્સ પર મૂકી દીધો હતો. આ સમય દરમિયાન ડૉ. પર્વતગૌડાએ આકર્ષણનો સંપર્ક કર્યો અને તેને તેના અગાઉના લેણાં ચૂકવવા કહ્યું.

ફોન કોલ દ્વારા આરોપી ઝડપાયો

ડૉ. પર્વતગૌડાના આ ફોન કોલના કારણે સીબીઆઈની સામે આ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ કોલના આધારે CBIએ ડૉ. પર્વતગૌડા સહિત કુલ બે ડૉક્ટરની અટકાયત કરી અને તેમની પૂછપરછ શરૂ કરી. આ પૂછપરછ દરમિયાન સીબીઆઈને આ ડૉક્ટરો અને મેડિકલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની વચ્ચે ચાલતી મની ટ્રેલ વિશે જાણકારી મળી હતી.

સીબીઆઈના 15 સ્થળોએ દરોડા

આ કેસની તપાસ દરમિયાન સીબીઆઈએ મેડિકલ ઈક્વિપમેન્ટ બનાવતા ડીલરો સાથે જોડાયેલા કુલ 15 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ મામલામાં સીબીઆઈએ FIR પણ નોંધી છે. આ FIRમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરો સહિત અનેક લોકોના નામ બહાર આવ્યા છે.

CBI FIRમાં નામ આપવામાં આવેલા RML ડૉકટરો અને ટેકનિશિયનમાં ડૉ. પર્વતગોડા (આસિસ્ટન્ટ પ્રોફેસર, કાર્ડિયોલોજી વિભાગ), ડૉ. અજય રાજ ​​(પ્રોફેસર, કાર્ડિયોલોજી વિભાગ), રજનીશ કુમાર( વરિષ્ઠ ટેક્નિકલ ઇન ચાર્જ, કેથ લેબ), ભુવલ જયસ્વાલ (ક્લાર્ક), સંજય ગુપ્તા (ક્લાર્ક)નો સમાવેશ થાય છે. આ FIRમાં જે લોકોનાં નામ સામેલ કરવામાં આવ્યા છે તેમાં નરેશ નાગપાલ (નાગપાલ ટેક્નોલોજીના માલિક), ભારત સિંહ દલાલ (ભારતી મેડિકલ ટેક્નોલોજી), અબરાર અહેમદ (સિનમેડના ડિરેક્ટર), વિકાસ કુમાર (કલેક્શન એજન્ટ)નો પણ સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક અન્ય લોકોના નામ પણ આ FIRમાં સામેલ કરવામાં આવ્યા છે.

ખાનગી કંપનીના સાધનો વાપરવા માટે લાંચ માંગવામાં આવતી હતી!

સીબીઆઈની તપાસમાં બહાર આવ્યું કે, રામ મનોહર લોહિયા હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટરો સાથે, લેબમાં કામ કરતા ક્લાર્ક અને કર્મચારીઓ પણ આ રેકેટમાં સામેલ છે. તપાસ દરમિયાન જે વાત બહાર આવી તેનાથી સીબીઆઈના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા. તપાસમાં બહાર આવ્યું કે, આ ડૉકટરો દર્દીઓના ઓપરેશન અને સારવાર માટે ખાનગી સાધન બનાવતી કંપનીના સાધનોનો ઉપયોગ કરતા હતા અને આ માટે તેમણે તે કંપની પાસેથી લાંચ તરીકે મોટી રકમ પણ લીધી હતી. આ આખો ખેલ પડદા પાછળ થઈ રહ્યો હતો.

UPI અને બેંક એકાઉન્ટ પર ચૂકવણી કરવામાં આવી હતી

તપાસમાં જાણવા મળ્યું કે, આ રેકેટ વિશે કોઈને ખબર ન પડે તે માટે, આરોપી ડૉક્ટરોએ ક્યારેય રોકડમાં પેમેન્ટ લીધું ન હતું. આ માટે તેઓ UPI અને એકાઉન્ટ ટ્રાન્સફર દ્વારા લાંચના પૈસા માંગતા હતા. સીબીઆઈ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સૂત્રોએ જણાવ્યું છે કે નાગપાલ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડના માલિક નરેશ નાગપાલ દર્દીઓને મેડિકલ પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેવાતા સાધનોની સપ્લાય કરે છે. ડૉ. પર્વતગૌડા આ સાધનોના ઉપયોગના બદલામાં નાગપાલ પાસેથી લાંચ લે છે. 2 મેના રોજ ડૉ. પર્વતગૌડાએ સાધન વાપરવા માટે નાગપાલ પાસેથી લાંચની માંગણી કરી હતી. ત્યારે નાગપાલે ડૉ. પર્વતગૌડાને ખાતરી આપી હતી કે, લાંચની નિશ્ચિત રકમ તેમને 7 મે સુધીમાં પહોંચાડવામાં આવશે.

સીબીઆઈને ખ્યાલ હતો કે, આરોપી નાગપાલ લાંચના પૈસા લઈને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ચોક્કસ આવશે. આ પછી સીબીઆઈએ રામ મનોહર લોહિયા હોસ્પિટલની આસપાસ છટકું ગોઠવ્યું અને લગભગ 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા ડૉ. પર્વતગૌડાની રંગે હાથ પકડી પાડ્યા.

કેવી રીતે સીબીઆઈને આ રેકેટની માહિતી મળી?

આ રેકેટ અંગે CBIને માહિતી આપવામાં આવી હતી. સીબીઆઈને કહેવામાં આવ્યું હતું કે, રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવારના નામે મોટું રેકેટ ચાલી રહ્યું છે. આ રેકેટ હેઠળ દર્દીઓ પાસેથી સારવારના નામે લાંચ લેવામાં આવી રહી છે અને દર્દીઓને અમુક ચોક્કસ કંપનીના મેડિકલ સાધનો વાપરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે.

અમે કડક કાર્યવાહી કરીશું: હોસ્પિટલ પ્રશાસન 

આ રેકેટ બહાર આવ્યા બાદ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટરોની ધરપકડ બાદ પહેલીવાર હોસ્પિટલના વહીવટીતંત્ર તરફથી પ્રતિક્રિયા આવી છે. RMLના કાર્યકારી તબીબી અધિક્ષક, ડૉ. મનોજ કુમાર ઝાએ આ રેકેટ વિશે ખાસ વાતચીત કરતાં કહ્યું હતું કે, આ મામલો દુર્ભાગ્યપૂર્ણ અને અકલ્પનીય છે. અમને આની અપેક્ષા પણ નહોતી. મામલો પ્રકાશમાં આવતાં જ અમે ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ બનાવી. આ ટીમ આગામી થોડા દિવસોમાં તેનો રિપોર્ટ અમને સોંપશે. ફેક્ટ ફાઈન્ડિંગ ટીમ તેની તપાસ બાદ શું પગલાં લેવા તે જણાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, RMLનું નામ જાળવી રાખવાના પ્રયાસો કરવામાં આવશે. આ ઘટના દર્દીની સંભાળ પ્રત્યેના અમારા સમર્પણને નુકસાન પહોંચાડી રહી છે. આવી ઘટના ફરી ન બને તે માટે અમે કડક કાર્યવાહી કરીશું. અમે તપાસ એજન્સીને પણ સંપૂર્ણ સહકાર આપીશું.”

કેવી રીતે ચાલતું હતું રેકેટ?

  1. સ્ટેન્ટ અને અન્ય મેડિકલ સાધનોના સપ્લાયના નામે લાંચ લેવામાં આવતી હતી.
  2. ચોક્કસ બ્રાન્ડના સ્ટંટ સપ્લાય કરવા માટે લાંચ માંગવામાં આવતી હતી.
  3. લેબમાં મેડિકલ સાધનોના સપ્લાય માટે પણ લાંચ લેવામાં આવતી હતી.
  4. લાંચના બદલામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા 
  5. નકલી મેડિકલ સર્ટિફિકેટ આપવાના નામે પણ વસૂલાત કરવામાં આવતી હતી.

આ પણ જુઓ: દિલ્હીમાં લોકસભાની સાત બેઠક ઉપર કયા મતદારો નિર્ણાયક બનશે?

Back to top button