વ્યાજખોરોના ત્રાસથી 30 વર્ષીય યુવાને આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં ત્રણ વ્યાજખોરોના નામ

Sabarkantha Suicide Case: વ્યાજખોરોના અત્યાચાર અને માનસિક ત્રાસને કારણે સાબરકાંઠા જિલ્લાના ખેડ મોતીપુરા ગામે 30 વર્ષીય યુવાને આત્મહત્યા કરી લીધી છે. મૃત યુવાને છોડેલી સુસાઇડ નોટમાં ત્રણ વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે, જેમાં બલવંતસિંહ અને રવિ સહિત એક અન્ય વ્યક્તિના નામ આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર પરિવાર અને ગામમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પરિવારના આક્ષેપ મુજબ, યુવાને માત્ર 50 હજારની લોન લીધી હતી, જેના બદલામાં તેણે અત્યાર સુધીમાં 5 લાખથી વધુનું વ્યાજ ચૂકવી દીધું હતું. વ્યાજખોરો દર અઠવાડિયે 10 ટકા વ્યાજ વસૂલતા હતા. આ અત્યંત ઊંચા વ્યાજના બોજ અને સતત ધમકીઓને કારણે યુવાન માનસિક તણાવમાં આવી ગયો હતો અને છેલ્લે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો.
મૃત યુવાન પાછળ ત્રણ દીકરીઓ અને એક દીકરો નિરાધાર છોડી ગયો છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, વ્યાજખોરોના ત્રાસથી યુવાન ઘણા સમયથી પરેશાન હતો. તેઓ ઘરે આવીને ગાળો ભાંડતા, ધમકીઓ આપતા અને વધુ વ્યાજની માંગ કરતા હતા.
સુસાઇડ નોટમાં શું લખ્યું?
સુસાઇડ નોટમાં યુવાને સ્પષ્ટપણે બલવંતસિંહ, રવિ અને ત્રીજા વ્યક્તિને જવાબદાર ગણાવ્યા છે. તેણે લખ્યું છે કે આ લોકોના ત્રાસને કારણે તે કંટાળી ગયો હતો. પરિવારે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ત્રણેય આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સ્થાનિકો પણ આ ઘટનાના વિરોધમાં પોલીસ સ્ટેશનની સામે ધરણા-પ્રદર્શન કરવા તૈયાર છે.
વ્યાજખોરીની સમસ્યા
સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીના કેસો વારંવાર સામે આવતા રહ્યા છે. પોલીસે અગાઉ પણ આવા અનેક આરોપીઓ સામે કાર્યવાહી કરી છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આ સમસ્યા હજુ પણ ચાલુ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ કરવાનું વચન આપ્યું છે. સામાજિક સંગઠનો અને સ્થાનિક લોકો પરિવારને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે.
આ પણ વાંચો: હાઈવોલ્ટેજ ડ્રામા પછી દિયોદરમાં કોંગ્રેસની જીત, પ્રભાતબા-પાનાબેનની વરણી












