રાહુલ દ્રવિડ હેડ કોચનું પદ છોડી શકે છે, આ પૂર્વ ખેલાડી કોચ બનવા તૈયાર
- રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનો કોન્ટ્રાક્ટ વધારવાનો ઈન્કાર કરી દીધો છે.
- આવી સ્થિતિમાં વીવીએસ લક્ષ્મણ ટીમના નવા કોચ બની શકે છે.
- દ્રવિડે ફરીથી NCAના વડા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાની 6 વિકેટથી મળેલી હાર બાદ કેટલીક એવી પણ ચર્ચા છે કે, ઘણા સિનિયર ખેલાડીઓ માટે આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે, જ્યારે હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે રાહુલ દ્રવિડે પણ મુખ્ય કોચનું પદ છોડી દીધું છે. વાસ્તવમાં રાહુલ દ્રવિડનો 2 વર્ષનો કોન્ટ્રાક્ટ વર્લ્ડ કપ 2023 સાથે સમાપ્ત થઈ ગયો છે. એવા અહેવાલો હતા કે દ્રવિડનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવી શકે છે, પરંતુ હવે તેમણે પોતે કોન્ટ્રાક્ટ લંબાવવાની ના પાડી દીધી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને વીવીએસ લક્ષ્મણના રૂપમાં નવો કોચ મળી શકે છે. લક્ષ્મણે દ્રવિડની ગેરહાજરીમાં ઘણી વખત મુખ્ય કોચની ભૂમિકા ભજવી છે. તેમજ તે આજથી એટલે કે 23 નવેમ્બરથી શરૂ થઈ રહેલી હોમ ઑસ્ટ્રેલિયા શ્રેણીમાં ભારતના કોચ પણ છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, દ્રવિડે બીસીસીઆઈને તેમનો કરાર વધારવાનો ઇનકાર કર્યો છે. તે વીવીએસ લક્ષ્મણ સાથે NCAના વડા તરીકેની ભૂમિકા અદલાબદલી કરવા પણ તૈયાર છે.
સૂત્રોના જણાવ્યા અનુંસાર, લક્ષ્મણે આ પદ માટે ઉત્સુકતા વ્યક્ત કરી છે. વર્લ્ડ કપ દરમિયાન લક્ષ્મણ આ સંદર્ભે બીસીસીઆઈના ટોચના અધિકારીઓને મળવા અમદાવાદ ગયા હતા. તે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે અને તે ચોક્કસપણે તેમની સાથે પ્રવાસ કરશે. સાઉથ આફ્રિકાના આગામી પ્રવાસમાં તે પૂર્ણ સમયના કોચ તરીકે પોતાનો પ્રથમ પ્રવાસ કરી શકે છે. સાઉથ આફ્રિકાનો પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થવાનો છે. ટીમ 4 ડિસેમ્બરે રવાના થશે.
દ્રવિડે બીસીસીઆઈને જાણ કરી છે કે, તેમને ફુલ ટાઈમ કોચ બન્યા રહેવામાં રસ નથી. લગભગ 20 વર્ષ સુધી તેમણે એક ખેલાડી તરીકે ભારતીય ટીમ સાથે પ્રવાસ કર્યો અને છેલ્લા કેટલાક વર્ષોથી તેમણે ફરીથી ટીમ સાથે પ્રવાસનો આનંદ માણ્યો છે. તેમને NCA ના વડાની ભૂમિકા સાથે કોઈ વાંધો નથી (જે ભૂમિકા તેમણે અગાઉ નિભાવી હતી)જેનાથી તેઓ પોતાના વતન બેંગ્લોરમાં રહી શકશે. પહેલાની જેમ તે કોચ તરીકે ટીમ સાથે અનેક પ્રવાસો પર જવા માટે પણ તૈયાર છે પરંતુ પૂર્ણ-સમયના કોચિંગ માટે નહીં.
આ પણ વાંચો, અતીક અહેમદનો નજીકનો મિત્ર નફીસ એન્કાઉન્ટરમાં ઘાયલ, ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી