વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જશે લંડનઃ વેપાર, અર્થવ્યવસ્થા, ટેકનોલોજી પર કરશે ચર્ચા

નવી દિલ્હી, 23 જુલાઇ, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાની ચૌથી બ્રિટન યાત્રા પર રવાના થશે. આ દરમિયાન જેની લાંબા ગાળાથી પ્રતીક્ષા કરવામાં આવી રહી છે તેવી મુક્ત વેપાર સમજૂતિ (FTA)ને આખરી ઓપ આપવાની સાથે જ ક્ષેત્રીય અને વૈશ્વિક દ્રષ્ટિએ મહત્ત્વના મુદ્દા સાથે ખાલિસ્તાની ચરમપંથીઓની હાજરી પર પણ ચર્ચા કરશે.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 23 થી 24 જુલાઈ દરમિયાન તેઓ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે ચર્ચા માટે બ્રિટનની સત્તાવાર મુલાકાતે જશે. તેઓ રાજા ચાર્લ્સ ત્રીજાને પણ મળશે. આ દરમિયન ભારત અને બ્રિટન બંનેના વ્યાપારી નેતાઓ સાથે વાતચીત કરવાની પણ યોજના છે. બંને દેશો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ પર પણ ચર્ચા કરશે અને વેપાર, અર્થતંત્ર, ટેકનોલોજી, નવીનતા, સુરક્ષા, આબોહવા પરિવર્તન, આરોગ્ય, શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો સુધારવા અંગે ચર્ચા કરશે. પદ સંભાળ્યા પછી વડાપ્રધાનની આ બ્રિટનની ચોથી મુલાકાત હશે.
ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર
ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર 24 જુલાઈએ હસ્તાક્ષર થશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે લંડનમાં રહેશે. વેપાર કરારમાં ચામડા, જૂતા અને કપડાં જેવા શ્રમ-સઘન ઉત્પાદનોની નિકાસ પરના કર દૂર કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે બ્રિટનથી વ્હિસ્કી અને કારની આયાત સસ્તી કરવાનો પ્રસ્તાવ છે, જેથી 2030 સુધીમાં બંને અર્થતંત્રો વચ્ચેનો વેપાર બમણો થઈને 120 અબજ ડોલર સુધી પહોંચી શકે.
બ્રિટન ભારતમાં છઠ્ઠું સૌથી મોટું રોકાણકાર છે
બ્રિટન ભારતમાં છઠ્ઠું સૌથી મોટું રોકાણકાર છે, જેનું કુલ FDI 36 અબજ ડોલર છે. રસપ્રદ વાત એ છે કે, ભારત બ્રિટનમાં પણ એક મુખ્ય રોકાણકાર છે, જેની કુલ FDI લગભગ 20 અબજ ડોલર છે. મિશ્રીએ કહ્યું કે વડા પ્રધાન મોદી તેમના બ્રિટિશ સમકક્ષ સાથે ભારત-બ્રિટિશ દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર પાસાઓ પર વ્યાપક ચર્ચા કરશે. ભાગેડુ ગુનેગારોના પ્રત્યાર્પણ પર, તેમણે કહ્યું કે, અમે એકબીજાના સંપર્કમાં છીએ. તહવ્વુર રાણા જેવા અન્ય લોકોને કેવી રીતે પ્રત્યાર્પણ કરી શકાય તે અંગે પણ ચર્ચા થશે.
પીએમ મોદી છેલ્લા એક વર્ષમાં બે વાર બ્રિટિશ વડાપ્રધાનને મળ્યા
નોંધનીય છે કે વડાપ્રધાન મોદી છેલ્લા એક વર્ષમાં બે વાર બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરને મળ્યા છે. તેઓ નવેમ્બર 2024માં બ્રાઝિલમાં G-20 સમિટ દરમિયાન અને પછી જૂન 2025માં G-7 સમિટ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન, બંને વચ્ચે ઘણી ટેલિફોન વાતચીત થઈ હતી.
માલદીવની પણ મુલાકાત લેશે
બ્રિટન પછી, પીએમ મોદી માલદીવની સત્તાવાર મુલાકાતે જશે, જે 25-26 જુલાઈ 2025 દરમિયાન રહેશે. વડા પ્રધાન મોદી માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મોઇઝુના આમંત્રણ પર માલદીવ જઈ રહ્યા છે. વડા પ્રધાનની માલદીવની આ ત્રીજી મુલાકાત હશે. રાષ્ટ્રપતિ મોઇઝુએ માલદીવમાં સત્તા સંભાળ્યા પછી પીએમ મોદીની આ માલદીવ મુલાકાત કોઈ વિદેશી રાષ્ટ્રપ્રમુખની પ્રથમ મુલાકાત હશે.
આ પણ વાંચોઃ આ દેશના નાગરિકો વિશ્વના 227માંથી 193 દેશમાં લઇ શકે છે વીઝા ફ્રી એન્ટ્રી












