PM મોદીના આગમનને વધાવવા જામનગર સજ્જ; રોશનીના અવનવા શણગારથી ઝળહળી ઉઠ્યું શહેર

PM Modi Gujarat visit: PM મોદી આગામી 10 અને 11 મેના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમનને લઈને જામનગર શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. સરકારી ઇમારતો, મુખ્ય માર્ગો, સર્કલ્સ અને લાલબંગલા સર્કલ સહિતના વિસ્તારોને રોશનીના અદ્ભુત શણગારથી સજાવવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં દિવાળી જેવો ઉત્સવનો માહોલ જામી ગયો છે. લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.
મળેલી માહિતી અનુસાર વડાપ્રધાન 10 મેના રોજ રાત્રે મોડે જામનગર પહોંચશે. તેઓ જામનગરમાં રાત્રિ રોકાણ કરશે અને 11 મેના રોજ સવારે સોમનાથ જવા રવાના થશે. જામનગર એરફોર્સ સ્ટેશન અથવા એરપોર્ટથી સીધા લાલબંગલા સર્કિટ હાઉસ તરફ જવાનો કાર્યક્રમ છે.
ભવ્ય જન અભિવાદન કાર્યક્રમ
10 મેના રોજ સાંજે 7:30 કલાકે લાલબંગલા સર્કલ ખાતે ભવ્ય જન અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપ નેતાઓ, મંત્રીઓ તથા જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા વગેરે હાજર રહેશે. ખ્યાતનામ કલાકાર અને સુર સમ્રાટ કીર્તિદાન ગઢવી દ્વારા લોક ડાયરાની પ્રસ્તુતિ તથા અન્ય ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરથી ફૂલ વર્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
શહેરની તૈયારીઓ
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને વડાપ્રધાનના આગમનને લઈને એન્ક્રોચમેન્ટ હટાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી છે. એરપોર્ટથી લાલબંગલા સુધીના માર્ગો તથા આસપાસના વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ તંત્રે લાલબંગલા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધો છે. શહેરના મુખ્ય ગૌરવપથ તથા અન્ય માર્ગોને આકર્ષક લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે.
PMનો સંપૂર્ણ કાર્યક્રમ
11 મેના રોજ સવારે 10:15 વાગ્યે સોમનાથ મંદિરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લેશે. ત્યારબાદ વડોદરા જઈને ‘સરદારધામ’નું ઉદ્ઘાટન કરશે અને જનસભાને સંબોધન પણ કરશે. આ પ્રવાસ દરમિયાન અનેક વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત પણ થઈ શકે છે.
જામનગરના લોકો વડાપ્રધાનના આગમનને ‘ઘર આંગણે’ના સન્માન તરીકે જુએ છે. શહેરમાં ઉત્સાહનો માહોલ છે અને દરેક વ્યક્તિ આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યો છે.












