ભારત-બ્રાઝિલ વચ્ચે ઐતિહાસિક સમજૂતી: ક્રિટિકલ મિનરલ્સ અને ડિજિટલ સેક્ટરમાં થશે મોટી ભાગીદારી, PM મોદીએ મિત્રતાને ગણાવી ‘Win-Win’

નવી દિલ્હી: 21 ફેબ્રુઆરી, 2026: ભારત અને બ્રાઝિલના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો હવે નવી ઊંચાઈ સર કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા ડી સિલ્વા વચ્ચે હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાર્તા યોજાઈ હતી, જેમાં બંને દેશોએ મહત્વના મુદ્દાઓ પર સમજૂતી કરી છે. ખાસ કરીને ક્રિટિકલ મિનરલ્સ, માઇનિંગ, ડિજિટલ પાર્ટનરશિપ અને કોસ્ટલ સેક્ટરમાં મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
સપ્લાય ચેઈન અને આતંકવાદ પર PM મોદીનું નિવેદન
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ એલિમેન્ટ્સ (Rare Earth Elements) સાથે જોડાયેલા કરાર સપ્લાય ચેઈન સુરક્ષા માટે અત્યંત મહત્વના છે. તેમણે આતંકવાદને માનવતાનો શત્રુ ગણાવીને તેની સામે સાથે મળીને લડવાની વાત કરી હતી. વધુમાં, બંને દેશોએ વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
વેપારમાં નવો લક્ષ્યાંક: 2030 સુધીમાં $20 બિલિયન
વર્તમાન સ્થિતિ: 2025માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $15 બિલિયન પર પહોંચ્યો છે.
નવો લક્ષ્યાંક: વર્ષ 2030 સુધીમાં આ વેપારને $20 બિલિયન સુધી લઈ જવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
ભારત હાલમાં બ્રાઝિલ માટે 10મું સૌથી મોટું નિકાસ બજાર બની ગયું છે.
શા માટે બ્રાઝિલ ભારત માટે મહત્વનું છે?
ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત હવે બ્રાઝિલ તરફ નજર દોડાવી રહ્યું છે. બ્રાઝિલ દુનિયામાં બીજા ક્રમનો સૌથી મોટો રેર અર્થ એલિમેન્ટ્સનો ભંડાર ધરાવે છે. આ મિનરલ્સ ઇલેક્ટ્રિક વાહનો, સોલર પેનલ, સ્માર્ટફોન અને ડિફેન્સ સિસ્ટમ માટે અનિવાર્ય છે. બ્રાઝિલ ભારતને ખાંડ, ક્રૂડ ઓઈલ, વેજીટેબલ ઓઈલ અને આયર્ન ઓર (લોખંડ) ની નિકાસ કરે છે, જેની માંગ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારને કારણે વધી રહી છે.
રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે ભારતની મુલાકાતે આવ્યા છે. તેમની આ મુલાકાત ભારતની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.












