દાહોદના ભથવાડા ટોલનાકા પાસે પીપલોદ પોલીસનો મોટો સપાટો, 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

દાહોદ 28 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે દાહોદ જિલ્લાની પીપલોદ પોલીસે આંતરરાજ્ય દારૂની તસ્કરીનું એક મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. દેવગઢબારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે મધ્યપ્રદેશથી આવતી એક ટ્રકમાંથી ₹1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.
બાતમીના આધારે વોચ અને ઓપરેશન
મળતી માહિતી મુજબ, પીપલોદ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના ઇન્દોર તરફથી એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ભથવાડા ટોલનાકા પાસે ચુસ્ત નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન, શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ટ્રક (નંબર: MP-09-HG-2551) ને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી.
પ્લાસ્ટિક વેસ્ટેજની આડમાં બુટલેગરોની ચાલાકી
તલાશી દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરોએ પોલીસની નજર ચૂકવવા માટે ટ્રકમાં ઉપરના ભાગે પ્લાસ્ટિકના વેસ્ટેજ ભુસાના થેલા ભર્યા હતા. જોકે, પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા આ થેલાઓની નીચે છુપાવેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 37,440 નંગ નાની બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત અંદાજે ₹1,01,08,800 આંકવામાં આવી છે. ટ્રક અને અન્ય ચીજવસ્તુઓ મળીને પોલીસે કુલ ₹1,11,09,300 નો મસમોટો મુદ્દામાલ કબજે કર્યો છે.
ધરપકડ અને આગળની તપાસ
આ મામલે પોલીસે ટ્રક ચાલક મહમદ ઇર્ષાદ મહમદ ફજલ (રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ) ની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. પીપલોદ પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઇન્દોરથી કોણે મોકલ્યો હતો અને ગુજરાતમાં તે કયા મુખ્ય બુટલેગરને સપ્લાય કરવાનો હતો. દાહોદ જિલ્લાની આ તાજેતરની સૌથી મોટી પ્રોહિબિશન કામગીરીમાંની એક માનવામાં આવે છે, જેણે બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
આ પણ વાંચો: ગોધરામાં ‘ગ્રાહક’ બની આવતી મહિલા ચોર ગેંગ ઝડપાઈ: નજર ચૂકવી 22 ડ્રેસ ચોરનારી ચાર મહિલાઓ જેલભેગી











