ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પવન કલ્યાણની જનસેના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદગી, આંધ્ર સરકારમાં બની શકે છે Dy CM

  • ફિલ્મી દુનિયામાંથી રાજનીતિમાં આવેલા પવન કલ્યાણની જનસેના પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું

અમરાવતી, 11 જૂન: અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણ પણ આજે મંગળવારે સવારે NDAની બેઠકમાં ચંદ્રબાબુ નાયડુને મળ્યા હતા. આ દરમિયાન જનસેના પાર્ટી અને TDPના ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ હાજર હતા. બંને નેતાઓ એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. ફિલ્મી દુનિયામાંથી રાજનીતિમાં આવેલા પવન કલ્યાણની જનસેના પાર્ટીએ આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. પવન કલ્યાણની જનસેના પાર્ટીએ વિધાનસભામાં 21 અને લોકસભામાં 2 બેઠકો મેળવી છે. પક્ષના વધતા કદની વચ્ચે પવન કલ્યાણને જનસેના વિધાન દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મંગલાગીરી સ્થિત પાર્ટી હેડક્વાર્ટર ખાતે જનસેના ધારાસભ્ય દળની આ બેઠક યોજાઇ હતી.

 

પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ બને તેવી સંભાવના 

આ બેઠકમાં તેનાલીના ધારાસભ્ય નાદેંદલા મનોહરે જનસેના ધારાસભ્ય દળના નેતા તરીકે પવન કલ્યાણના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પવન કલ્યાણ આંધ્રપ્રદેશ સરકારમાં ડેપ્યુટી સીએમ બની શકે છે.

NDA પક્ષોની બેઠક

પક્ષમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ પવન કલ્યાણે વિજયવાડામાં NDA નેતાઓની બેઠકમાં ભાગ લીધો હતો. જ્યાં તે TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ સાથે દેખાયા હતા. બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવીને પોતપોતાના ધારાસભ્યો અને કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી. આ મીટિંગમાં આંધ્રપ્રદેશ બીજેપી અધ્યક્ષ દગ્ગુબતી પુરંદેશ્વરી પણ હાજર રહ્યા હતા.

NDAને 175માંથી 164 બેઠકો મળી હતી

મહત્ત્વપૂર્ણ છે કે, TDP, જનસેના પાર્ટી અને ભાજપે સંયુક્ત રીતે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી લડી હતી. આ ચૂંટણી NDAના બેનર હેઠળ લડવામાં આવી હતી. આ ચૂંટણીમાં ત્રણેય પક્ષોએ સારું પ્રદર્શન કર્યું છે. આંધ્રપ્રદેશની 175 વિધાનસભા બેઠકોમાંથી જનસેનાના 21 ધારાસભ્યોએ ચૂંટણી જીતી છે. ટીડીપીને 135 અને ભાજપને 8 બેઠકો મળી છે. આ રીતે NDAએ વિધાનસભા ચૂંટણીમાં 175માંથી 164 બેઠકો જીતી છે. YSR કોંગ્રેસને માત્ર 13 બેઠકો મળી અને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ જુઓ: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા પાંચ MLAએ શપથ લીધા, ભાજપનું સંખ્યાબળ 161 થયું

Back to top button