ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિકાસનાં કામમાં ‘રોડા’: પાટણ પાલિકા પ્રમુખે ભાજપના જ 6 કોર્પોરેટર સામે CMને કરી રજૂઆત

પાટણ, તા. 9 નવેમ્બર, 2025: પાટણ નગરપાલિકામાં સત્તાધારી ભાજપના જ નેતાઓ વચ્ચે મોટો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ભાજપ શાસિત પાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર આ આંતરિક વિવાદથી કંટાળી ગયા છે, અને તેમણે આ મામલે મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરતો પત્ર લખ્યો છે.

પ્રમુખ હિરલબેન પરમારે પત્રમાં જણાવ્યું છે કે, તેમણે પાલિકાનું સુકાન સંભાળ્યું ત્યારથી ભાજપના જ છ સદસ્યો વિકાસના કામોમાં રોડા નાખી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, સામાન્ય સભામાં એજન્ડા પરના વિકાસના કામોને આ સદસ્યો દ્વારા નામંજૂર કે મુલતવી રખાવી શહેરનો વિકાસ અટકાવવામાં આવી રહ્યો છે.પ્રમુખે છ સભ્યો પર પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

તેમણે આ તમામ છ સભ્યો સામે યોગ્ય પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પ્રમુખે પોતાની ફરિયાદના સમર્થનમાં એજન્ડાની નકલો પણ મુખ્યમંત્રીને ઇ-મેઇલ કરી છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પત્રમાં તેમની જ પાર્ટીના જે છ સભ્યોના નામનો ઉલ્લેખ કર્યો છે તે નીચે મુજબ છે:

  • શૈલેષ પટેલ (સદસ્ય)
  • મનોજ પટેલ (સદસ્ય)
  • નરેશ દવે (સદસ્ય)
  • મનોજ નાગરદાસ પટેલ (સદસ્ય)
  • બિપિનભાઈ (સદસ્ય)
  • મુકેશ પટેલ (કારોબારી ચેરમેન)

નગરસેવકોનો વળતો પ્રહાર

નોંધનીય છે કે, જ્યાં એક તરફ મહિલા પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી પોતાની હૈયાવરાળ ઠાલવી છે, ત્યાં બીજી તરફ, આ નગરસેવકોએ પણ પાલિકા પ્રમુખ સામે વળતા પ્રહાર કર્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે પાલિકાનો અંદરોઅંદરનો વિખવાદ ચરમસીમાએ છે.

Back to top button