ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

“ન રમાડવો હોય તો સ્પષ્ટરૂપે કહી દો…” વૈભવ સૂર્યવંશીને લઈને ક્રિકેટર રોષે ભરાયા અને…

Vaibhav Suryavanshi: ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા હોવા છતાં 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને હજુ સુધી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવાની તક મળી નથી. આયર્લેન્ડ સામેની બે ટી20 મેચો અને ઇંગ્લેન્ડ સામેની ટી20 સિરીઝની પ્રથમ મેચમાં પણ તે પ્લેઇંગ-11 માં સ્થાન મેળવી શક્યો નથી અને બેન્ચ પર જ બેસી રહ્યો છે. આ દરમિયાન ભારતના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે ટીમ મેનેજમેન્ટને એક અત્યંત મહત્વની સલાહ આપી છે.

પાર્થિવ પટેલનું કહેવું છે કે, જો હાલમાં વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11 માં જગ્યા નથી મળવાની, તો ટીમ મેનેજમેન્ટે આ વાત તેને સ્પષ્ટપણે કહી દેવી જોઈએ. તેમનું માનવું છે કે 15 વર્ષના આ નાની ઉંમરના ખલાડી સાથે સ્પષ્ટ અને ખુલ્લો સંવાદ (Clear Communication) કરવો ખૂબ જ જરૂરી છે.

‘તે માત્ર 15 વર્ષનો બાળક છે, કાળજીપૂર્વક વ્યવહાર કરવો પડશે’

JioStar પર વાતચીત દરમિયાન પાર્થિવ પટેલે જણાવ્યું કે, કોચિંગ સ્ટાફની જવાબદારી માત્ર ટીમ પસંદ કરવા પૂરતી સીમિત નથી હોતી, પરંતુ ખેલાડીઓ સાથે યોગ્ય રીતે સંવાદ કરવો પણ એટલો જ જરૂરી છે.

પાર્થિવ પટેલે કહ્યું, “જ્યારે તમે કોચિંગ સ્ટાફનો ભાગ હોવ, ત્યારે તમારે ખેલાડીઓ સાથે સાફ-સાફ વાત કરવી પડે છે. જો તમે તેને રમાડવાના નથી, તો તે વાત પણ તેને સ્પષ્ટ કહી દો. તે માત્ર 15 વર્ષનો બાળક છે, તેથી તેની સાથે ખૂબ જ સાવધાનીપૂર્વક પેશ આવવું પડશે અને તેને ધીરજ રાખવાની સલાહ આપવી પડશે.”

ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર છે ફૂલ પેક્ડ

પાર્થિવ પટેલે એ વાત પર પણ પ્રકાશ પાડ્યો કે વર્તમાન સમયમાં ભારતના ટોપ ઓર્ડરમાં અગાઉથી જ એવા દિગ્ગજ બેટ્સમેન હાજર છે જેમણે મોટા મંચ પર પોતાની જાતને સાબિત કરી બતાવી છે.

તેમણે ઉમેર્યું, “સંજુ સેમસન ટી20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો છે. ઇશાન કિશન આઇસીસી ટી20 રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે, જ્યારે અભિષેક શર્મા નંબર-2 પર છે. આવા સંજોગોમાં હાલમાં વૈભવ માટે પ્લેઇંગ-11 માં જગ્યા બનાવવી મુશ્કેલ છે. પરંતુ આ વાત તેને પ્રેમથી અને યોગ્ય રીતે સમજાવવી પડશે.”

IPL 2026 માં મચાવી હતી ધમાલ, છતાં ડેબ્યૂની રાહ

જોકે, પાર્થિવ પટેલને આશા છે કે વૈભવ સૂર્યવંશીને ઇંગ્લેન્ડ સામેની વર્તમાન પાંચ મેચોની ટી૨૦ સિરીઝમાં ડેબ્યૂ કરવાની તક ચોક્કસ મળશે. તેમનું માનવું છે કે હજુ સિરીઝની ચાર મેચો બાકી છે અને ટીમ મેનેજમેન્ટ આ યુવા બેટ્સમેનને અજમાવી શકે છે.

નોંધનીય છે કે વૈભવને આઇપીએલ (IPL 2026) માં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા તેણે 16 મેચમાં 776 રન ફટકાર્યા હતા અને પોતાની આક્રમક બેટિંગથી સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું. આમ છતાં, આયર્લેન્ડ પ્રવાસ પર વૈભવનું ડેબ્યૂ થઈ શક્યું નહોતું અને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચ પણ વરસાદના કારણે ધોવાઈ જતાં વૈભવને ફરી એકવાર રાહ જોવી પડી છે.

આ પણ વાંચોઃ હર્ષ ફાયરિંગ કેસ : બીજેપી ધારાસભ્ય રાજૂ સિંહને 4 વર્ષની જેલ, 25 લાખ દંડ

આ પણ વાંચોઃ ભારત-ઈઝરાયલ રોકાણ સંધિ લાગુ, આર્થિક સંબંધોને મળશે નવો વેગ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button