સ્માર્ટફોનમાં અપડેટ નથી મળી રહી? તરત આ કામ કરી લો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

HD ન્યુઝ ડેસ્ક, 27 જાન્યુઆરી 2026: આજના સમયમાં સ્માર્ટફોન માત્ર વાતચીતનું સાધન નથી રહ્યો, પરંતુ તે આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોલિંગ અને મેસેજિંગ ઉપરાંત, સ્માર્ટફોનનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ, બેન્કિંગ, શિક્ષણ, સરકારી દસ્તાવેજો અને વ્યક્તિગત ફોટા-વિડિયો સાચવવા માટે થાય છે. આવી સ્થિતિમાં સ્માર્ટફોનની નાની પણ ખામી તમને ભારે નુકસાનમાં મૂકી શકે છે.
ડિજિટલ દુનિયા ઝડપથી વિસ્તરી રહી છે અને સાથે સાથે સાયબર ફ્રોડના કેસો પણ વધી રહ્યા છે. તેથી સ્માર્ટફોનને હંમેશા અપ-ટુ-ડેટ રાખવું અત્યંત જરૂરી છે.
અપડેટ ન મળવાના નુકસાન
સ્માર્ટફોન કંપનીઓ તેમના ડિવાઇસમાં નિશ્ચિત સમયગાળા સુધી જ સોફ્ટવેર અને સિક્યુરિટી અપડેટ્સ આપે છે. જો તમારો ફોન જૂનો થઈ ગયો છે અને તેમાં અપડેટ મળવાનું બંધ થઈ ગયું છે, તો આ ચિંતાનો વિષય છે.
જૂના એન્ડ્રોઇડ ફોન કે આઈફોનમાં જો સિક્યુરિટી અપડેટ્સ ન મળે, તો હેકર્સ માટે ડિવાઇસમાં ઘૂસવું સરળ બની જાય છે. આવી સ્થિતિમાં તમારા ખાનગી ફોટા, વીડિયો, બેન્કિંગ વિગતો અને સરકારી દસ્તાવેજો જોખમમાં આવી શકે છે.
કેટલા સમય સુધી મળે છે અપડેટ?
જ્યારે પણ નવો સ્માર્ટફોન લોન્ચ થાય છે, ત્યારે કંપની સામાન્ય રીતે 2 વર્ષથી 7 વર્ષ સુધી સોફ્ટવેર અને સિક્યુરિટી અપડેટ્સ આપવાનો વાયદો કરે છે. એટલે ફોન ખરીદતી વખતે આ બાબત ચોક્કસ ચેક કરવી જોઈએ.
ઉદાહરણ તરીકે, Samsung Galaxy S25 ગયા વર્ષે લોન્ચ થયો હતો અને કંપની તેમાં 7 વર્ષ સુધી અપડેટ આપવાનો વાયદો કરે છે. એટલે આ ફોનમાં તમને 2032 સુધી અપડેટ્સ મળશે. ત્યારબાદ આ ફોનનો ઉપયોગ સુરક્ષિત નહીં ગણાય.
અપડેટ કેવી રીતે ચેક કરશો?
જો તમે એન્ડ્રોઇડ ફોન યુઝર છો, તો:
-
Settingsમાં જઈ Software Update સર્ચ કરો
-
ત્યાંથી લેટેસ્ટ અપડેટ માટે ચેક કરો
-
અપડેટ ઉપલબ્ધ હોય તો તેને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો
અપડેટ કરતા પહેલા ફોનનો ડેટા બેકઅપ લેવો ભૂલશો નહીં. બેકઅપ માટે Settingsમાં જઈ Backup વિકલ્પ પસંદ કરો.
આઈફોન યુઝર્સ માટે:
-
Settings > General > Software Update પર જાઓ
-
અપડેટ ઉપલબ્ધ હોય તો તેને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો
આઈફોન અપડેટ કરતા પહેલા પણ ડેટાનો બેકઅપ લેવું જરૂરી છે, કારણ કે ક્યારેક સર્વર સમસ્યાને કારણે અપડેટ વચ્ચે અટકી જાય તો ડેટા કરપ્ટ થવાની શક્યતા રહે છે.
અપડેટ બંધ થઈ ગયા હોય તો શું કરવું?
જો તમારો ફોન ખૂબ જૂનો થઈ ગયો છે અને તેમાં હવે અપડેટ મળવાનું બંધ થઈ ગયું છે, તો વિલંબ કર્યા વગર નવો ફોન ખરીદવો જ વધુ સુરક્ષિત વિકલ્પ છે. જૂનો ફોન ઉપયોગમાં રાખવાથી તમારો ડેટા અને પૈસા બંને જોખમમાં પડી શકે છે.
આ પણ વાંચો : ઘરને ખરાબ નજરથી બચાવવા માટે લાવો આ પાંચ વસ્તુઓ, રહેશે પોઝિટિવિટી












