ભોજશાળા વિવાદ: સુપ્રીમ કોર્ટે શુક્રવારની નમાઝ માટે બાજુની જમીન મંજૂર કરી, જાણો શું કહ્યું

National News: મધ્યપ્રદેશના ધારની ઐતિહાસિક ભોજશાળા સાથે જોડાયેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે (30 જુલાઈ) મહત્ત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ભોજશાળા પરિસરની બાજુમાં આવેલી ખસરા નંબર 596ની જમીન પર શુક્રવારની નમાઝ માટે મંજૂરી આપવાનો માર્ગ મોકળો કર્યો છે. આ જમીનને ‘દરગાહની જમીન’ તરીકે દર્શાવવામાં આવી હોવાનું કોર્ટમાં જણાવાયું હતું.
કોર્ટના આદેશ મુજબ મુસ્લિમ પક્ષને શુક્રવારે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી નમાઝ અદા કરવાની મંજૂરી આપી શકાય છે. સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો બંને પક્ષો પરસ્પર સંમતિથી કોઈ અન્ય યોગ્ય સ્થળ નક્કી કરે તો તે વિકલ્પ પણ ખુલ્લો રહેશે.
ભોજશાળાની બાજુની જમીન પર નમાઝની મંજૂરી
ભોજશાળા વિવાદની સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે નમાઝ માટે નજીકની જમીન ફાળવવાની માગ કરી હતી. તેમનો દાવો હતો કે સ્થાનિક પ્રશાસન દ્વારા અગાઉ ભોજશાળાથી આશરે 1.3 કિલોમીટર દૂર જગ્યા આપવામાં આવી રહી હતી, જે તેમના માટે વ્યવહારુ નથી. મુસ્લિમ પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે નમાઝ માટે એવી જગ્યા આપવામાં આવે જ્યાંથી ભોજશાળા પરિસર સાથે જોડાયેલી મસ્જિદ સ્પષ્ટ રીતે જોઈ શકાય. તેમણે સાઇટ પ્લાનમાં દરગાહ જમીન તરીકે દર્શાવાયેલી ખસરા નંબર 596ની જમીનનો ઉલ્લેખ કર્યો હતો.
બપોરે 1થી 3 વાગ્યા સુધી નમાઝ
સુપ્રીમ કોર્ટે ભોજશાળા પરિસરની બાજુની આ જમીનને શુક્રવારની નમાઝ માટે ઉપયોગમાં લેવાનો માર્ગ સ્પષ્ટ કર્યો છે. નમાઝ માટેનો સમય બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી રહેશે. જોકે બંને પક્ષો પરસ્પર સંમતિથી અન્ય કોઈ વૈકલ્પિક સ્થળ પસંદ કરે તો તે વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. આ વ્યવસ્થા ભોજશાળા વિવાદના અંતિમ ઉકેલ તરીકે જોવાની નથી, પરંતુ હાલની સ્થિતિમાં ધાર્મિક પ્રવૃત્તિ અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી વ્યવસ્થા તરીકે જોવામાં આવી રહી છે.
ધાર્મિક અધિકારોનું રક્ષણ કરવું પણ રાજ્યની ફરજ
સુનાવણી દરમિયાન મધ્યપ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજપે દલીલ કરી હતી કે સરકાર બે પક્ષો વચ્ચેના અધિકારોના વિવાદમાં પડવા માંગતી નથી અને તેનું મુખ્ય ધ્યાન કાયદો-વ્યવસ્થા જાળવવા પર છે. આ દલીલ દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની જવાબદારી અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.
જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ જણાવ્યું કે કાયદો-વ્યવસ્થા જાળવવાની સાથે નાગરિકોના ધાર્મિક અધિકારોનું રક્ષણ કરવું પણ રાજ્યનું બંધારણીય કર્તવ્ય છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર માત્ર કાયદો-વ્યવસ્થાની જવાબદારી કહીને ધાર્મિક અધિકારોના રક્ષણની જવાબદારીથી પાછળ હટી શકે નહીં.












