ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતના સ્પેસ પ્રોગ્રામનું સન્માન વધ્યું: NASA

Text To Speech

બેંગલુરુ: NASAના જેટ પ્રોપલ્શન લેબોરેટરીનાં ડાયરેક્ટર લૉરી લેશિને ભારતના સ્પેસ પ્રોગ્રામની પ્રસંશા કરી છે. તેમણે કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતા બાદ સમગ્ર વિશ્વમાં ભારતના સ્પેસ પ્રોગ્રામનું સન્માન વધ્યું છે. ભારત અને USની સ્પેસ એજન્સીઓના વિજ્ઞાનીઓ નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર (NISAR) મિશન પર સાથે મળીને કામ કરી રહ્યા છે. વિશ્વનો સૌથી મોંઘો અર્થ ઇમેજિંગ સેટેલાઈટ NISAR 2024 ના પ્રથમ ત્રણ મહિનામાં લોન્ચ થવાની ધારણા છે. પૃથ્વીની જમીન અને બરફની સપાટીની હિલચાલ પર નજીકથી નજર રાખવા માટે તેને NASA અને ઈસરો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહ્યું છે.

લેશિને કહ્યું કે NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર (NISAR) ભૂકંપ અને સુનામી જેવા જોખમોની આગાહી કરવામાં પણ મદદ કરશે. NISARએ ISRO અને NASA દ્વારા વિકસાવવામાં આવી રહેલી લો અર્થ ઓર્બિટ ઓબ્ઝર્વેટરી છે. જે 12 દિવસમાં સમગ્ર પૃથ્વીનો નકશો બનાવશે અને ગ્રહની ઇકોસિસ્ટમ, બરફના જથ્થા, વનસ્પતિ, દરિયાઈ સપાટીમાં વધારો, ભૂગર્ભજળનું સ્તર અને કુદરતી જોખમોમાં થતા ફેરફારોને સમજશે. આ ઉપરાંત સતત ડેટા પ્રદાન કરશે. જેમાં ભૂકંપ, સુનામી, જ્વાળામુખી વિસ્ફોટ અને ભૂસ્ખલનનો પણ સમાવેશ થાય છે.

નાસાના અધિકારીએ કહ્યું કે આ સંયુક્ત મિશનથી પૃથ્વીની સપાટી પર બદલાતી પરિસ્થિતિઓનું અવલોકન કરવા વૈજ્ઞાનિક પરિવર્તન પાછળના ભૌતિકશાસ્ત્રને સમજવામાં મદદ મળશે. ભવિષ્યમાં શું થવાનું છે તેની વધુ સારી આગાહી કરી શકશે. નાસા અને ઈસરો વચ્ચેના સહયોગ અંગે તેમણે કહ્યું કે તેઓ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. બંને દેશો વચ્ચે કોઈપણ ટેકનિકલ ક્ષેત્રમાં આ સૌથી મોટો સહયોગ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશો આગામી દિવસોમાં અન્ય ઘણા પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરશે.

આ પણ વાંચો: ISRO આ વર્ષે અવકાશમાં મોટાં પગલાં ભરવાની તૈયારીમાં, સ્પેસ મિશન પર મોટું અપડેટ

Back to top button