
MP Crime News: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે 17 વર્ષની સગીરાના ઘરે ઘૂસીને તેના પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, હુમલા બાદ યુવતાના ગળામાં દોરડું બાંધીને તેને છત પરથી લટકાવી દેતા સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ફેલાઈ ગયો છે. ગંભીર રીતે ઘાયલ થયેલી સગીરા હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
માતા-પિતા બહાર જતા સગીરા ઘરમાં એકલી હતી
મળતી માહિતી મુજબ, ઘટના શુક્રવારે સવારે બની હતી. સગીરાના માતા-પિતા કોઈ કામસર બહાર ગયા હોવાથી તે ઘરમાં એકલી હતી. આ દરમિયાન ધર્મેન્દ્ર પરિહાર નામનો યુવક હાથમાં કુહાડી લઈને તેના ઘરે પહોંચી ગયો હતો. આરોપ છે કે ઘરમાં પ્રવેશતાની સાથે જ તેણે સગીરા પર હુમલો શરૂ કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી ગભરાઈ ગયેલી યુવતીએ પોતાનો જીવ બચાવવા માટે ઘરની છત પર ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી તેનો પીછો કરતાં ત્યાં પણ પહોંચી ગયો હતો.
છત પર પણ ન છોડ્યો પીછો, ગળામાં દોરડું બાંધી દીધું
પ્રત્યક્ષદર્શીઓ અને પરિવારજનોના જણાવ્યા મુજબ, આરોપીએ સગીરાને છત પર પકડી લીધી હતી અને તેના પર વધુ હુમલો કર્યો હતો. ત્યારબાદ તેના ગળામાં દોરડું બાંધી તેને છત પરથી લટકાવી દીધી હતી. થોડા સમય સુધી યુવતી ફાંસીની હાલતમાં લટકતી રહી હતી. આરોપીએ ત્યારબાદ યુવતીને ઊંચાઈ પરથી નીચે ફેંકી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટના બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
માથું, ચહેરો અને ગરદન પર ગંભીર ઈજાઓ
ઘટનાના પગલે પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં યુવતીને પહેલા શિવપુરી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. જોકે તેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે ગ્વાલિયર રિફર કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ડોક્ટરોના જણાવ્યા અનુસાર યુવતીના માથા, ગરદન અને ચહેરાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાઓ એટલી ગંભીર હતી કે તેના શરીર પર 60થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. હાલ તેની સારવાર ચાલી રહી છે અને ડોક્ટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
પરિવારનો આરોપ: પૂર્વ આયોજન હેઠળ હુમલો
ઘટના બાદ પરિવારજનો ભારે આઘાતમાં છે. સગીરાના પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે આ હુમલો પૂર્વનિયોજિત હતો. તેમના જણાવ્યા મુજબ આરોપી લાંબા સમયથી યુવતીને પરેશાન કરતો હતો અને તક મળતા તેણે નિર્દયતાથી હુમલો કર્યો હતો. પરિવારનું કહેવું છે કે જો સમયસર મદદ ન મળી હોત તો યુવતીનો જીવ પણ જઈ શક્યો હોત.
ઘટનાના વિરોધમાં ગ્રામજનો રસ્તા પર ઉતર્યા
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પરિવારજનો અને ગ્રામજનોએ ખોડ-સિરસૌડ રોડ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. લગભગ બે કલાક સુધી માર્ગ સંપૂર્ણપણે બંધ રહ્યો હતો, જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે વહીવટી અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને લોકો સાથે ચર્ચા કરી હતી.
આરોપીઓને કડક સજાની માંગ
વિરોધ પ્રદર્શન દરમિયાન પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે મુખ્ય આરોપીને ફાંસીની સજા, તમામ સંડોવાયેલા લોકોની તાત્કાલિક ધરપકડ, આરોપીના મકાન પર બુલડોઝર કાર્યવાહી અને પીડિત પરિવારને આર્થિક સહાય આપવાની માંગણી કરી હતી. અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવતા બાદમાં રસ્તા પરથી નાકાબંધી હટાવવામાં આવી હતી.
મુખ્ય આરોપી અને તેના પિતાની ધરપકડ
પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્ય આરોપી ધર્મેન્દ્ર પરિહાર અને તેના પિતા અજબ સિંહ પરિહારની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ત્રણ લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ પાંચ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે અને બાકીના આરોપીઓની ભૂમિકા અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
વિસ્તારમાં ચકચાર
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું કહેવાય છે. ઘટનાની ક્રૂરતા અને નિર્દયતાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસ તમામ પુરાવા એકત્રિત કરીને આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે, જ્યારે ઘાયલ સગીરા ગ્વાલિયરમાં સારવાર હેઠળ જીવન માટે સંઘર્ષ કરી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં ચાની કિટલી પરનો વિવાદ બન્યો લોહિયાળ, બે મિત્રોની કરાઈ હત્યા












