‘ન્યાયની મજાક…’ આદેશ છતા વ્યક્તિને મુક્ત ન કરતા સુપ્રીમ કોર્ટે જેલ અધિક્ષકને ફટકાર લગાવતા પાઠવ્યું સમન્સ
નવી દિલ્હીઃ 24 જૂન, 2025: Supreme Court: સુપ્રીમ કોર્ટે મંગળવારે (24 જૂન) કહ્યું કે, એપ્રિલમાં જામીન મળેલા વ્યક્તિને હજુ સુધી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો નથી તે ન્યાયની મજાક છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદા સાથે સંબંધિત એક કેસમાં આ ટિપ્પણી કરી હતી. જેમાં, ન્યાયાધીશ કે. વી વિશ્વનાથન અને એન કોટિશ્વર સિંહની ખંડપીઠે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, જામીન મળી ગયા હોવા છતા વ્યક્તિને મુક્ત કે કરવામાં નથી આવ્યો?
કોર્ટે સમન્સ પાઠવ્યું
આ મુદ્દે ખંડપીઠે ગાઝિયાબાદ જિલ્લા જેલના જેલ અધિક્ષકને 25 જૂને સુપ્રીમ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ દર્શાવે છે. તેથી, ઉત્તર પ્રદેશના જેલ મહાનિર્દેશકને પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કોર્ટના આદેશ છતાં મુક્ત ન કરાયો
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, 29 એપ્રિલે આરોપીને જામીન આપવામાં આવ્યા હતા. ગાઝિયાબાદની એક નીચલી કોર્ટે પણ 27 મેના દિવસે આરોપીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો અન્ય કોઈ કેસમાં તેની કસ્ટડીની જરૂર ન હોય તો તેને બોન્ડ પર મુક્ત કરવામાં આવે. જોકે, અરજદારે જણાવ્યું કે, કોર્ટના આદેશ બાદ પણ તેને મુક્ત કરવામાં નહતો આવ્યો, જેના કારમે અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશમાં કાયદાની કલમ 5ની પેટા કલમ(1)નો ઉલ્લેખ નહોતો.
આ મુદ્દે કોર્ટે કહ્યું કે, 29 એપ્રિલનો તેમનો આદેશ ખૂબ જ સ્પષ્ટ હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે, કેસની સુનાવણી ચાલુ રહે ત્યાં સુધી આરોપીને જામીન મળવા જોઈએ. આ વ્યક્તિ પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 366 (બળજબરીથી લગ્ન માટે સ્ત્રીનું અપહરણ) અને ધાર્મિક પરિવર્તન નિવારણ અધિનિયમ, 2021ની કલમ 3 અને 5 (ખોટું બોલવું, દબાણ, છેતરપિંડી અથવા લાલચ દ્વારા ધર્માંતરણ પર પ્રતિબંધ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ન્યાયનું અપમાન છે
અરજદારે સુપ્રીમ કોર્ટને 29 એપ્રિલના આદેશમાં ફેરફાર કરવા અને તેમાં કલમ 5 ની પેટા કલમ (1) સ્પષ્ટપણે સામેલ કરવા વિનંતી કરી છે. કોર્ટે કહ્યું કે, એપ્રિલના આદેશમાં જરૂરી કલમોનો ઉલ્લેખ પહેલાથી જ કરવામાં આવ્યો છે. પેટા કલમોના અભાવને કારણે આરોપી હજુ પણ જેલમાં છે તે ન્યાયનું અપમાન છે. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.
જોકે, કોર્ટે અરજદારના વકીલને ચેતવણી પણ આપી હતી કે, જો નિવેદન ખોટું નીકળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે કહ્યું, અમે તમને ફરીથી કહી રહ્યા છીએ કે, જો આ નિવેદન ખોટું હશે અથવા તમે કોઈ અન્ય કેસમાં કસ્ટડીમાં છો, તો ગંભીર કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જો આ પેટા કલમ કારણભૂત હશે, તો અમે કોર્ટના અવમાનનાની કાર્યવાહી શરૂ કરીશું, કારણ કે આ સ્વતંત્રતાનો મામલો છે. આ કોર્ટને હળવાશથી ન લો. હવે આ મામલાની સુનાવણી 25 જૂને ફરીથી થશે.
આ પણ વાંચોઃ ‘ન્યાયના ભોગે દયા નહીં દાખવવામાં આવે…’ પત્નીની હત્યાના આરોપમાં કોર્ચે 71 વર્ષીય શખસને સંભળાવી ચોંકાવનારી સજા
આ પણ વાંચોઃ વડોદરા: આધારકાર્ડ માટે બોગસ બર્થ સર્ટિફિકેટનું મોટું કૌભાંડ, ચોક્કસ ગેંગ સક્રિય હોવાની આશંકા












