ઓલપાડના નઘોઇ ગામે મંત્રી મુકેશ પટેલે ચાલુ વરસાદે પરિવાર સાથે કર્યું મતદાન

સુરત 22 જૂન 2025: ગુજરાત રાજ્યમાં આજે 22 જૂનના રોજ 8326 ગ્રામપંચાયતની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી પુર જોશમાં થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. ભરૂચમાં 53, નર્મદામાં 107, ડાંગમાં 42, નવસારીમાં 56, સુરતમાં 62, તાપીમાં 47 અને વલસાડમાં 51 ગ્રામ પંચાયતો માટે મતદાન થઈ રહ્યું છે.
![]()
સરપંચના ઉમેદવાર કોણ?:
ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે પોલીસ પેટ્રોલિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી 25 જૂનના રોજ યોજાશે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામ ખાતે પણ ગ્રામ પંચાયત ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ચંદ્રિકા બેન પટેલ અને ગીતાબેન પટેલે સરપંચ પદની ઉમેદવારી નોંધાવી છે.
ચાલુ વરસાદમાં મતદાન:
આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 852 જેટલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પણ નઘોઇ ગામ ખાતે પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા અને તેઓએ ચાલુ વરસાદમાં મતદાન કર્યું હતું. સાથે તેઓએ સૌ કોઈ લોકોને મતદાન કરવાની અપીલ પણ કરી હતી. ઉલ્લેખનીય છેકે, થોડા મહિના અગાઉ નઘોઇ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ગીતાબેન પટેલ હતા, તેઓ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થતા તેઓને હોદા પરથી દૂર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન વચ્ચે ક્યાં થઈ મારામારી?












