Setebello Ship Attack Oman Coast: ઓમાનના દરિયાકાંઠે એક વાણિજ્યિક જહાજ ‘સેટેબેલો’ (Setebello) પર થયેલા હુમલા બાદ ભારતીય નાગરિકોના રેસ્ક્યૂ ઓપરેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ જહાજ પર સવાર કુલ 24 ભારતીય ક્રૂ સભ્યોમાંથી અત્યાર સુધીમાં 21 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 ભારતીયો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે (MEA) આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે.
શોધખોળ અને બચાવ કામગીરી તેજ; દૂતાવાસ એલર્ટ પર
વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ સમગ્ર પરિસ્થિતિ પર ખૂબ જ નજીકથી નજર રાખી રહ્યું છે. ગુમ થયેલા 3 ભારતીય નાગરિકોને શોધવા માટે સ્થાનિક ઓમાની સત્તાવાળાઓ સાથે મળીને દરિયામાં સક્રિય રીતે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર હુમલા અંગે ભારતની ગંભીર ચિંતા
સમુદ્રી વિસ્તારમાં વાણિજ્યિક જહાજો પર થઈ રહેલા સતત હુમલાઓ અંગે વિદેશ મંત્રાલયે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. MEA ના જણાવ્યા અનુસાર, આ હુમલાઓ પ્રદેશમાં ચાલી રહેલા વર્તમાન સંઘર્ષનું સીધું પરિણામ છે. ભારતે આ વિસ્તારમાં તણાવ ઘટાડવા અને શાંતિ તેમજ સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી વાટાઘાટો વહેલી તકે પૂર્ણ કરવા આહવાન કર્યું છે. ભારત સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, કોઈપણ વિક્ષેપ વિના વૈશ્વિક વેપાર અને જહાજોની અવરજવર માટે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો તુરંત સુરક્ષિત કરવા જોઈએ અને જાહેર માળખાગત સુવિધાઓને લક્ષ્ય બનાવવાનું તાત્કાલિક બંધ થવું જોઈએ.
આ પણ વાંચો: US Inflation: ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાની જનતા મોંઘવારીથી પરેશાન











