અમદાવાદમાં ઓરકેસ્ટ્રાનો શો કરતી મહિલા પાસેથી 83 હજારનું એમડી ડ્રગ્સ ઝડપાયુ
અમદાવાદ, 15 મે 2024, ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. રાજ્યના દરિયા કિનારેથી અનેક વખત કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. અમદાવાદ જેવા શહેરોમાં ડ્રગ્સની હેરાફેરી કરતી મહિલાઓ પણ પોલીસના સકંજામાં આવી છે. ત્યારે અમદાવાદમાં નરોડા વિસ્તારમાં એક ઓરકેસ્ટ્રા શો કરનાર મહિલાની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા પાસેથી 8.350 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેની બજાર કિંમત 83 હજાર રૂપિયા થાય છે. તે ઉપરાંત તેના મિત્ર જિતેન્દ્ર પટેલ પાસેથી દારૂ પકડાતા તેની પણ એસઓજી પોલીસે ધરપકડ કરી છે.
એસઓજી ક્રાઈમ બ્રાંચે બાતમી વાળા સ્થળે દરોડો પાડ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે એસઓજી ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, એક જ્યોતિબાલા નામની મહિલા પોતાના કબજામાં એમડી ડ્રગ્સનો જથ્થો રાખી નરોડા ખાતેના હંસપુરામાં શંખેશ્વર ટાઉનશીપ ખાતે હાજર છે. આ બાતમીને આધારે એસઓજી ક્રાઈમ બ્રાંચે બાતમી વાળા સ્થળે દરોડો પાડ્યો હતો. મકાનમાં જઈને એસઓજીની ટીમે મહિલાનું નામ પુછતાં મહિલાએ તેનું નામ જ્યોતિબાલા પ્રજાપતિ અને મુળ રાજસ્થાનની હોવાનું કહ્યું હતું. તે ઓરકેસ્ટ્રા શો કરીને ગુજરાન ચલાવતી હોવાનું પણ કહ્યું હતું. પોલીસે મહિલાની જડતી લેતાં તેની પાસેથી કશું જ મળી આવ્યું નહોતું. ઘરમાં તપાસ કરતાં એક ઈસમ બેઠો હતો તેનું નામ જિતેન્દ્ર પટેલ જણાવ્યું હતું અને તે આ મહિલાનો મિત્ર હતો.
એસઓજી ક્રાઈમ બ્રાંચે મહિલા અને તેના મિત્રની ધરપકડ કરી
તેણે પોલીસને કહ્યું હતું કે, આ બહેન ઓરકેસ્ટ્રાના શો કરતાં હોવાથી હું તેમની પાસે દારૂ અને બિયરની બોટલો લઈને આવ્યો છું. પોલીસે ઘરની તપાસ કરતાં એક તિજોરીની તપાસ શરૂ કરી હતી. જેમાં કપડાંની સાથે બે પ્લાસ્ટિકની થેલી મળી હતી. જેમાં રાખોડી તથા પીળા રંગ જેવો પદાર્થ ભરેલો હતો. તે ઉપરાંત મહિલાના મિત્ર પાસેથી બિયરના સાત ટીન અને દારૂની બે નંગ બોટલો મળી આવી હતી. પોલીસે પ્લાસ્ટિકની થેલીઓની તપાસ કરતાં તેમાં એમડી ડ્રગ્સ હોવાનું ખૂલ્યું હતું. આ મહિલાએ ડ્રગ્સ બાબતે પોલીસને કહ્યું હતું કે, ઓરકેસ્ટ્રાના કાર્યક્રમો માટે રાજસ્થાન અને મુંબઈ જેવા રાજ્યોમાં જવાનું થતું હોવાથી ત્યાં જોવા આવતા અલગ અલગ ઈસમો પાસેથી આ પદાર્થ મેળવ્યો છે અને પોતે તેની બંધાણી છે. એસઓજી ક્રાઈમ બ્રાંચે મહિલા અને તેના મિત્રની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃસુરતઃ મહિલાએ કાબુ ગુમાવતા મર્સિડીઝ કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ