ટ્રેન્ડિંગનેશનલ

60 લાખના વીમો ક્લેમ કરવા શોધ્યો ભાઈનો હમશક્લ, દારૂ પીવડાવી કરી હત્યા અને…

રાજસ્થાનઃ 15 નવેમ્બર, 2025: Insurance Fraud: રાજસ્થાનના અલવર જિલ્લામાં વીમાની રૂ.60 લાખની રકમ હડપવા માટે રચવામાં આવેલી એક અત્યંત ચોંકાવનારા કાવતરાનો ખુલાસો થયો છે. ત્રણ મિત્રોએ મળીને એક એવા યુવકની શોધ કરી જે તેમના લાપતા મિત્ર જેવો દેખાતો હોય, માત્ર એટલા માટે કે તેની હત્યા કરીને વીમાના પૈસા ક્લેમ કરી શકાય. આ મામલે અદાલતે મુખ્ય આરોપી અનિલ ખત્રીને આજીવન કેદની સજા ફટકારી છે.

‘મૃત’ બતાવવા માટે હત્યાની યોજના

સરકારી વકીલ નવનીત તિવારીના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી અનિલ ખત્રીનો ભાઈ સુનીલ લાંબા સમયથી લાપતા હતો. અનિલે તેના ભાઈની LIC પોલિસીના રૂ. 60 લાખ મેળવવા માટે સુનીલને “મૃત” બતાવવાની સાજિશ રચી. આ માટે અનિલે તેના સાથીઓ પવન અને યાકૂબ સાથે મળીને એક એવા યુવકની શોધ શરૂ કરી જેની કદ-કાઠી સુનીલ જેવી હોય. તેમને સાલપુરનો 24 વર્ષીય રામકેશ મળ્યો, જે મહાવીર ઢાબા પર કામ કરતો હતો.

મિત્રતા, દારૂ અને પછી હત્યા

આરોપીઓએ યોજના મુજબ પહેલા રામકેશ સાથે મિત્રતા કરી. 30 સપ્ટેમ્બરે રામકેશને નવા કપડાં અને બૂટ આપ્યા, પછી બોલેરોમાં બેસાડીને દારૂ પીવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયા. તક મળતા જ ત્રણેયે મળીને રામકેશની હત્યા કરી દીધી. હત્યા બાદ તેની ખિસ્સામાં સુનીલનું વોટર આઈડી કાર્ડ નાખી દીધું, જેથી તે સુનીલ છે તેમ સાબિત થાય અને વીમાની રકમ ક્લેમ કરી શકાય.

પોલીસ તપાસ અને સજા

શરૂઆતમાં પોલીસે મૃતદેહને સુનીલ માનીને પંચનામું શરૂ કર્યું, પરંતુ જલ્દી જ શંકા ઊભી થઈ. તપાસમાં અનિલ અને પવનની ધરપકડ કરવામાં આવી અને પૂછપરછમાં અનિલે પોતાનો ગુનો કબૂલી લીધો. આ પહેલાં પવન અને યાકૂબને આજીવન કેદની સજા મળી ચૂકી હતી.

શુક્રવારે મુખ્ય આરોપી અનિલ અદાલતમાં હાજર થયો, જ્યાં તેને આજીવન કેદની સાથે રૂ. 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો.

આ પણ વાંચોઃ કોંગ્રેસે વર્ષો સુધી આદિવાસીઓને તેમના હાલ પર છોડી દીધા: પીએમ મોદીએ

આ પણ વાંચોઃ નેટફ્લિક્સના નવા શોમાં દેખાયો કપૂર પરિવાર, નીતૂ કપૂરે કરીનાને કહ્યું ડ્રામેટિક!

 

Back to top button