ટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપઃ રોકડથી ભરેલા સૂટકેસ સાથે જોવા મળ્યા શિવસેના ધારાસભ્ય શિરસાટ

મહારાષ્ટ્રઃ 11 જુલાઈ, 2025: Maharashtra Politics: મહારાષ્ટ્રમાં શિવસેના સંજય રાઉતે શુક્રવારે શિંદે જૂથના નેતા સંજય શિરસાટનો વીડિયો શેર કરતાની સાથે જ રાજકારણ ગરમાયું છે. કથિત વીડિયોમાં શિરસાટ પોતાના ઘરે રોકડથી ભરેલા બેગ સાથે જોઈ શકાય છે. આ વીડિયો પોસ્ટ કરતા તેમણે સલાહ આપી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ચમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ.

સંજય રાઉતે શેર કર્યો વીડિયો

સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી શિરસાટે પોતાના બેડરૂમમાં બેસીને સિગારેટ પીતા જોવા મળે છે. તેમની પાસે રોકડથી ભરેલી એક બેગ ખુલ્લી પડી છે. બાજુમાં એક બીજી સૂટકેશ પણ જોવા મળી રહી છે. આ વીડિયોમાં તેમનો પાળતું શ્વાન પણ જોવા મળે છે.

શિવસેના (યુબીટી) નેતાનો દાવો

સંજય રાઉતે વીડિયો શેર કરતા સાથે કેપ્શન લખ્યું કે, ‘આ રોમાંચક વીડિયોને આદરણીય વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત ભાઈએ જોવો જોઈએ. દેશમાં શું ચાલી રહ્યું છે? મહારાષ્ટ્રના એક મંત્રીનો આ વીડિયો ઘણું બધું કહી જાય છે.’

શિરસાટે કર્યો સ્વબચાવ

શિરસાટે આ વીડિયો મુદ્દે કહ્યું કે, ‘આ મને ફસાવવા માટેનું ષડયંત્ર છે. મને આ પૈસા વિશે કોઈ જાણકારી નથી. હું એક મુસાફરીથી પરત ફરી રહ્યો હતો. મેં મારા કપડાં ઉતારી દીધા અને પોતાના બેડરૂમમાં બેસી ગયો. મારો પાળતું શ્વાન મારી સાથે હતો, બની શકે કે કોઈએ ત્યારે આ વીડિયો શૂટ કર્યો હોય. મને પૈસા વિશે કોઈ જાણ નથી. જો મારી પાસે આટલા પૈસા હોત તો હું તેને તિજોરીમાં રાખત. અમારી પાસે કોઈ માતોશ્રી (ઉદ્ધવ ઠાકરેનો આવાસ)  નથી. કોઈએ વીડિયો શૂટ કર્યો હશે, આ લોકો જાણીજોઈને કહાણીઓ ઘડી રહ્યા છે.’

ઈન્કમ ટેક્સે નોટિસ પાઠવી

નોંધનીય છે કે, આ વીડિયો ઈન્કમ ટેક્સ દ્વારા ઔરંગાબાદ (પશ્ચિમ)ના ધારાસભ્ય શિરસાટને નોટિસ મોકલ્યાના એક દિવસ બાદ સામે આવ્યો છે. શિરસાટે કહ્યું કે, તે જલ્દી જ કેન્દ્રીય એજન્સીની સામે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરશે.

આ પણ વાંચોઃ અમદાવાદ: શ્રાવણ મહિનામાં સોમનાથ દર્શન માટે GSRTCની વોલ્વો બસ સેવા, જાણો સંપૂર્ણ માહિતી

આ પણ વાંચોઃ ક્રિકેટ રેકોર્ડઃ આ ક્રિકેટર સતત પાંચ બોલમાં 5 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ

Back to top button