‘અમારી ધીરજની પરીક્ષા ન લો…’ મંદિર અને દરગાહ વિવાદ પર સુપ્રીમ કોર્ટ રોષે ભરાઇ

નવી દિલ્હી: 5 ડિસેમ્બર, 2025: તમિલનાડુના તિરુપરમકુંદ્રમ સ્થિત સુબ્રમણ્ય સ્વામી મંદિરમાં ‘કાર્તિગૈ દીપમ’ (Karthigai Deepam) સાથે જોડાયેલો મુદ્દો હાલમાં ચર્ચામાં છે. રાજ્ય સરકાર મદ્રાસ હાઇકોર્ટના દીપ પ્રગટાવવાના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી છે અને સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સંમતિ આપી છે. આ મામલો ગુરૂવારે સંસદમાં પણ ઉઠ્યો હતો, જ્યારે DMKના વરિષ્ઠ નેતા ટી આર બાલુ એ લોકસભામાં શૂન્યકાળ દરમિયાન હાઇકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેના પર ગૃહમાં હોબાળો થયો હતો.
‘ન્યાયપાલિકાનું અપમાન સહન નહીં કરીએ‘
શુક્રવારે મદ્રાસ હાઇકોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો અને કહ્યું કે તે ન્યાયપાલિકા વિરુદ્ધ આવી ટિપ્પણીઓ સહન નહીં કરે. જસ્ટિસ જી જયચંદ્રન અને જસ્ટિસ કે.કે રામકૃષ્ણનની ખંડપીઠે કહ્યું કે, “અમે અમુક હદ સુધી જ સહન કરી શકીએ છીએ. જો હદ પાર થશે, તો અમે કડક કાર્યવાહી કરીશું. માત્ર એટલા માટે કે કોર્ટ અને જજોએ પ્રતિક્રિયા ન આપવી જોઈએ, તેઓ આનો ફાયદો ઉઠાવી શકે નહીં.”
ધીરજની પરીક્ષા ન લો…
જસ્ટિસ જયચંદ્રને કહ્યું કે, અમારા ધીરજની પરીક્ષા ન લો. લોકોને યાદ રાખવું જોઈએ કે તેઓ કોર્ટની ધીરજની કસોટી ન કરે અને જ્યુડિશિયરીને નીચું દેખાડવાનો પ્રયાસ ન કરે. કોર્ટે ચેતવણી આપી કે આ બધા માટે છેલ્લો રસ્તો છે અને કોઈ પણ વ્યક્તિ હોય, જો તેઓ ન્યાયિક સંસ્થાનું મનોબળ તોડતા રહેશે, તો પગલાં લેવામાં આવશે.
શું છે મામલો?
મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ ખંડપીઠે અરુલમિઘુ સુબ્રમણ્યમ સ્વામી મંદિર મેનેજમેન્ટને ૩ ડિસેમ્બરના રોજ ‘કાર્તિગૈ દીપમ’નો દીવો પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ જી. આર. સ્વામીનાથનની સિંગલ બેન્ચે કહ્યું હતું કે, પરંપરાગત પ્રકાશ સ્તંભ ઉપરાંત દીપથૂન પર પણ દીપ પ્રગટાવવો અનિવાર્ય છે. આમ કરવાથી નજીકની દરગાહ કે મુસ્લિમ સમુદાયના અધિકારો પ્રભાવિત થશે નહીં.
રાજ્ય સરકારની અપીલ
જ્યારે આદેશનો અમલ ન થયો, ત્યારે સિંગલ જજે શ્રદ્ધાળુઓને પોતે દીવા પ્રગટાવવાની મંજૂરી આપી અને CISFને સુરક્ષા આપવા નિર્દેશ આપ્યો. ત્યારબાદ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો પડ્યો. હાઈકોર્ટે 12 ડિસેમ્બરે આ મામલે તમામ અપીલો પર સુનાવણી કરશે.












